રાજકોટ શહેરના ખોડિયારપરામાં રહેતા સલીમ ઉર્ફે સાજિદ (ઉ.વ.42) આજીડેમ નજીક અમૂલ સર્કલ પાસે ધરતી રસ ડેપો નામે ચિચોડો ચલાવતો હતો. મંગળવારની રાત્રે જ્યારે તે પોતાની દુકાને હતો ત્યારે 9 શખ્સો બાઈક પર આવ્યા અને સલીમને પાઈપથી બેફામ ઢોરમાર મારી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ થઈ છે. સલીમના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. આ કેસમાં પોલીસ તપાસ ચાલું કરી છે.
પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું કે, રસ ડેપો પાસે જંગલેશ્વર વિસ્તારના શક્તિ અને કૃપાલે એક ભૈયાજીનો મોબાઈલ ચોરી લીધો હતો. જેને સલીમે રંગેહાથ પકડી લઈ ભૈયાજીને મોબાઈલ પરત આપાવ્યો. આ અંગે ખાર રાખીને શક્તિ અને કૃપાલે પોતાના અન્ય શખ્સો સાથે સલીમની હત્યા કરી નાંખી છે. કુલ 4 બાઈકમાં 11 શખ્સો આવ્યા હતા પછી સલીમના હ્દયના ભાગે છરીના ઘા મારી દેતા એનું મૃત્યું થયું છે. મારવા માટે આવેલા શખ્સોએ સલીમ સામે આંગળી ચીંધી કહ્યું કે, મામા આ લોકોએ જ અમને માર માર્યો હતો. પછી માથાકુટ કરીને સલીમને પાઈપથી મારવાનું ચાલું કરી દીધું હતું.

સલીમને છરીના 9 ઘા મારીને એને પતાવી દીધો હતો. આ બનાવના પગલે નાસભાગ મચી જતા આરોપીઓએ અન્ય લોકોને કહ્યું કે, કોઈ વચ્ચે પડતા નહીં નહીંતર તમને પણ જાનથી મારી નાખીશું. સલીમને છરીના ઘા મારીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા થોરાળા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, જ્યારે સલીમ પર હુમલો થયો ત્યારે એની સાથે એક પરિચિત વ્યક્તિ પણ ત્યાં હતો. પણ જ્યારે આ ઘટના બની ત્યારે એ ફરાર થઈ ગયો હતો. સલીમ ઉર્ફે સાજિદ આ પહેલા પણ દારૂના ગુનામાં પોલીસ ચોપડે આવી ચૂક્યો છે.

આ કેસમાં મૃતકના ભત્રીજાએ ફરિયાદ કરી છે. જેને લઈ પોલીસે 11 શખ્સો સામે ગુનો નોંઘી જુદી જુદી ટીમ તૈયાર કરી આરોપીઓને પકડવા માટે પગલાં લીધા છે. આ કેસમાં 11 શખ્સો પૈકી 6 સગીર હોવાનું જાણવા મળ્યું છે. બહાદૂર કિશોરભાઈ ચૌહાણ, શૈલેષ કિશોરભાઈ ચૌહણ અને 6 સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આસિફ, શાહરૂખ અને સાહિલને પકડવા માટે તપાસ ચાલું છે. પોલીસ ફરિયાદમાં શક્તિ, બહાદુર, કૃપાલ ઉર્ફે કાનો, શાહરૂખ, વિકી, શૈલેષ અને શાહીદના નામ ખુલ્યા છે. જેની સામે કાયદાકીય પગલાં લેવાના શરૂ થયા છે. મૃતક સલીમના ભત્રીજા અલ્તાફે જણાવ્યું કે, ચાર ભાઈઓમાં સૌથી નાના સલીમભાઈ હતા. સૌથી મોટા યુનુસભાઇ હતા જેનું અવસાન થયું છે. બીજા નંબરે રસુલભાઈ, જે કાલાવડ રોડ પર રહે છે. ત્રીજા મારા બાપુજી છે. સલીમના પરિવારમાં ત્રણ દિકરીઓ અને એક દીકરો છે.

મંગળવારે મને જાણવા મળ્યું કે, ડેપોએ કાકાને ત્યાં માણસોનું ટોળું એકઠું થયું છે. એટલે હું ત્યાં જતા બે શખ્સોએ ભૈયાનો મોબાઈલ ચોર્યો હોવાથી એને કેબિન પાસે લઈ આવ્યા હતા. જ્યારે સલીમભાઈ બંને વ્યક્તિનું નામ પૂછ્યું ત્યારે શક્તિ જાદવ અને કૃપાલ ઉર્ફે કાનો પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. પછી તેમણે પ્લાસ્ટિકના પાઈપથી માર મારવાનું ચાલું કરી દીધું. પછી મોડી રાત્રે ત્રણ સવારીમાં 11 જણા આવ્યા જેમાં શક્તિ અને કૃપાલ પણ હતા. એ પછી શક્તિએ કાકા સામે આંગળી ચિંઘી પછી મારામારી થઈ હતી. હું વચ્ચે છોડાવવા માટે વચ્ચે પડ્યો તો મને પણ જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.

