ગુજરાત રાજ્યમાં ચર્ચિત હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીક કાંડ મામલે બે મહિના બાદ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદેથી આસિત વોરાએ રાજીનામું આપી દીધુ. જેના કારણે ફરી પેપરલીક કાંડ ચર્ચામાં રહ્યો છે. જ્યારથી પેપર લીક થયું ત્યારથી આસિત વોરા આશંકાના દાયરામાં હતા. ગુજરાત આખામાં આસિત વોરા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંતે આસિત વોરાએ રાજીનામું આપી દેતા ફરી મામલો ચર્ચામાં રહ્યો. હવે એમની જગ્યાએ કેવા અધિકારીની નિમણૂંક કરવામાં આવે એ અંગે યુવરાજસિંહે ચોખવટ કરી છે.
યુવરાજસિંહે જણાવ્યું હતું કે, લાખો વિદ્યાર્થીઓની આજે જીત થઈ. પદાધિકારીઓ તથા પોતાની જવાબદારીથી જેઓ દૂર ભાગી રહ્યા હતા. બેન્ડબાજા વગાડવામાં મસ્ત હતા. એવા અધિકારીને વિદ્યાર્થીઓની કોઈ ચિંતા જ ન હતી. આવા રાજીનામાથી વિદ્યાર્થીઓ ખુશ છે. આ પદ માટે એવી આશા રાખીએ કે, આ પોસ્ટ પર એવા અધિકારી બેસે જે ખરેખર વિદ્યાર્થીઓની વેદનાઓને સમજે. અત્યાર સુધી વ્યક્તિઓ બદલાયા છે હવે સિસ્ટમ બદલવા માંગીએ છીએ. આ પોસ્ટ માટે અમે કોઈ રાજકારણ કરવા નથી ઈચ્છતા. GPSCમાં દિનેશ દાસાની નિમણૂંક થઈ એવી રીતે અમે GSSSBના ચેરમેન પદે કોઈ રાજકારણી વ્યક્તિને ઈચ્છતા નથી. જે વિદ્યાર્થી હિતને ધ્યાને રાખે અને એની સમસ્યાનો નીવેડો લાવે એવા અધિકારીની નિમણૂંક થાય એવું અમે ઈચ્છીએ છીએ. આ નિર્ણય મોડો લેવામાં આવ્યો. વિદ્યાર્થીઓના ભાવી સાથે કોઈ ચેડા ન થવા જોઈએ. અત્યાર સુધી નેતાઓ આ પોસ્ટ પરના વ્યક્તિને છાવરવાની પોલીસી અપનાવી રહ્યા હતા. આ પોલીસીમાંથી દરેકે બહાર આવવું જોઈએ. આસિત વોરાના કાર્યકાળ દરમિયાન ઘણા કૌભાંડ સામે આવ્યા છે.

હજુ સુધી નાની માછલીઓ ઝાડમાં પકડાઈ છે. હજુ મોટા મગરમચ્છ તો પોલીસની ધરપકડથી ઘણા દૂર છે. માત્ર કોઈનું રાજીનામું પડે એ કોઈ મોટો ઉકેલ નથી. એમની સામે માત્ર આક્ષેપ સામે આવ્યા છે. આ કેસમાં દરેક પાસાની તપાસ થવી જોઈએ. જોકે, આસિત વોરાનું રાજીનામું લેવાતા ઘણા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા. પેપરલીક કાંડમાં પોલીસે 11 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં જુદા જુદા જિલ્લાઓમાં એની તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, આ મામલો સામે આવતા જ આસિત વોરાના રાજીનામાની માંગ ઊઠી હતી. જે બે મહિના બાદ આકાર પામ્યું.

