રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર હળવી બની છે. રાજ્ય સરકાર દ્વારા કાલે કેબિનેટ બેઠકમાં પણ લગ્નપ્રસંગોમાં 150 લોકોની મર્યાદાને વધારીને 300 લોકોની મર્યાદા કરી દેવામાં આવી છે. તો કાલે વસંતપંચમીથી શરૂ થતી લગ્નસરા પહેલા જ એસટી બસોમાં ટિકીટોનું એડવાન્સ બુકીંગ થવા લાગી છે. લગ્નસરાની સીઝનના પગલે એસટી બસોમાં ટ્રાફિકનો પણ વધારો થયો છે.

શનિવારે વસંતપંચમીએ સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપક પ્રમાણમાં લગ્નો છે. ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવતા લોકો સમયસર પ્રસંગમાં પહોંચવા માટે અને લગ્નના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને એડવાન્સ બુકીંગ કરાવવા લાગ્યાં છે. શનિવારે એસટી બસોમાં જે પણ ટ્રાફિક જોવા મળશે તેમાં 80 ટકાથી વધુનો ટ્રાફિક લગ્નનો જોવા મળશે. ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ આવતી મોટાભાગની એસટી બસોની ટિકીટ એડવાન્સમાં બુક થઈ ગઈ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે.

તો બીજી તરફ લગ્નસરાની સીઝનમાં એસટીની માગમાં પણ વધારો થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા લગ્નોમાં એસટી બસનું બુકીંગ કરાવવા માટે ફોન ઉપર પૂછપરછ કરાઈ રહી છે. છેલ્લા થોડા સમયથી એસટી બસના ચાલકોએ અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક અકસ્માતો કર્યાં હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ નાઈટ કર્ફ્યુ અને સતત વધી રહેલા કોરોના કેસોના પગલે એસટીની આવકમાં મોટું ગાબડુ પડ્યું છે.

