મોરબી શહેરના રવાપર રોડ સ્થિત કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા દિવ્યરાજભાઈ કિરણભાઈ સનારીયા દ્વારા મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં તેમણે રાજપર ગામમાં રહેતા આરોપી ભાવેશભાઈ દેવકરણભાઈ સાવરિયા સામે આક્ષેપ કર્યો છે કે જૂના મનદુઃખને કારણે તેમના પર હુમલો કર્યો હતો.
ફરિયાદ મુજબ આરોપીએ લાકડાના ધોકા વડે દિવ્યરાજભાઈને કમરના ભાગે તેમજ બંને પગના સાથળના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપીએ અશ્લીલ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જણાવાયું છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર જીજે-03-જેજી-7165)ને પણ ધોકાના ઘા મારી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની ફરિયાદના આધારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

