જામનગરના રાજવી પરિવારના રાજકુંવરીબા હર્ષદકુંવરીબાનું અમદાવાદમાં સારવાર દરમયાન મોત નીપજતા શોકનો માહોલ છવાયો છે. રાજકુંવરીબા હર્ષદકુંવરીબાની તબિયત લથડતા સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમયાન અવસાન થયું હતું.

જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના મોટા બહેન હર્ષદકુંબરીબાનું લાંબી બિમારી બાદ અવસાન થતા રાજવી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજકુંવરીબા છેલ્લા ઘણા સમયથી બિમારીથી પીડાતા હતાં. મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે તેમને સારવાર માટે અમદાવાદની અપોલો હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યાં તેમનું ટુંકી સારવાર બાદ નિધન થયું હતું. હર્ષદકુંવરીબાના નિધનથી જામનગરના રાજવી પરિવાર તથા નજીકના વર્તુળોમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. હર્ષદકુંવરીબા સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે ખુબ જ સક્રિય હતાં. ઐતિહાસિક વારસાનું જતન કરતી ઈન્ટેક સાથે તેઓ વર્ષોથી સંકળાયેલા હતાં. શિક્ષણક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર સત્યસાંઈ શૈક્ષણિક સંસ્થામાં પણ તેઓ કર્તાધર્તા હતા. તેમના અંતિમ સંસ્કાર થલતેજ સ્મશાનગૃહમાં કરાશે.

