કોંગ્રેસ પક્ષ તરફથી રાજ્યમાં ન્યાય યાત્રા યોજાઈ રહી છે. રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ એક પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર ચાબખા માર્યા છે. સરકાર પર આક્ષેપ કરીને અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, પાટીલ કોઈનું માનતા નથી. સરકાર કોરોનાથી મૃત્યુ પામેલા આંકડાઓની રમત રમી રહી છે. અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીલની રાજકોટમાં રેલીએ કેસ વધાર્યા છે.
આ મામલે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ હાઈકમાન્ડને રજૂઆત કરવી જોઈએ. વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું હતું કે, ભારતના કોવિડથી થતા મૃત્યુના આંકડા પર વિશ્વાસ નથી કરતુ. કોરોના વાયરસની મહામારીમાં ભાજપ સરકારના અણઘડ વહીવટથી રાજ્યના લાખો નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત કોવિડથી થયેલા મૃત્યુંના આંકડા પર સરકાર છુપાવી રહી છે. આવા નિંદનીય પ્રયાસ ભાજપ સરકારે કર્યા છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકારી લીધું છે કે, સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી ઘણી વધારે અરજી આવી છે. અત્યાર સુધીમાં 91,810 અરજીઓ આવી જેમાંથી 58840 અરજીઓ નામંજૂર કરવામ આવી છે. તેમજ 15 હજાર જેટલી અરજીઓ પેન્ડીંગ છે અને 5 હજાર જેટલી અરજીઓ રીજેક્ટ કરવામાં આવી છે તેમજ 11 હજાર જેટલી અરજીઓ પ્રોસેસમાં છે. ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે કહ્યું કે,તકનીકી કારણો પર સરકાર લોકોની અરજીઓ નામંજૂર ના કરે. જેની અરજી નામંજૂર કરો છો એમને કારણો આપો છો ? સરકાર માફી માંગે એ નહિ ચાલે. ખાસ તો આ કેસમાં તો નહીં ચાલે. સરકાર વળતર ચૂકવીને લોકો પર કોઈ પ્રકારનો ઉપકાર નથી કરતી. સરકારે પોતાની અક્ષમતા અને ભૂલનો સ્વીકાર કરી સારી તૈયારી કરવી જોઈએ.

આ ઉપરાંત અર્જૂન મોઢવાડિયાએ આરોગ્ય સિસ્ટમ અંગે પણ કટાક્ષ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, આરોગ્ય વ્યવસ્થા સુધારવી જોઈએ જેથી ત્રીજા વેવમાં થતા નુકસાનને અટકાવી શકાય. કોરોના વાયરસના મોતના વિષય પર હોસ્પિટલ વગેરે પાસેથી પણ માહિતી મેળવી વળતર આપવું જોઈએ. જોકે, મોતના મામલે ફરી ભાજપ વિવાદમાં વર્તુળમાં અટવાય એવો માહોલ કોંગ્રેસે પ્રદર્શિત કર્યો છે. જોકે, આ બધુ ચૂંટણીના ભાગ રૂપે જોવામાં આવી રહ્યું છે. આ નિવદેન બાદ રાજકારણ ગરમાય એવી પૂરી શક્યતાઓ છે.

