મકરસંક્રાંતિની રાત એક પરિવારના દંપતિ માટે કાળરાત્રિ બની ગઈ હતી. અમદાવાદના અસલાલી વિસ્તારમાં એક હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. જેમાં અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે. બાઈક પર જઈ રહેલું દંપતિ અજાણ્યા વાહનની અડફેટે ચડ્યું હતું. અજાણ્યુ્ વાહન અકસ્માત કરીને ફરાર થઈ ગયું હતું. આ વાહન ચાલકને પકડવા માટે મૃતકના પરિવારજનોએ માગ કરી છે. ચાર કલાક સુધી મૃતદેહ રસ્તા વચ્ચે પડી રહ્યો હતો. અકસ્માતને કારણે ગામડી ગામે ત્રણ કિમી સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા.
અમદાવાદ પાસેના મહિજડા ગામનું દંપતી બાઇક પર અસલાલી ચાર રસ્તા તરફથી ઓઢવ બાજુ રહ્યું હતું. એ સમયે ગામડી ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહને તેમની ગાડીને ટક્કર મારી દીધી હતી. જેમાં બાઇક પર જઈ રહેલા દંપતી ફંગોળાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, 4 કલાક વીતવા છતાં પણ ઘટનાસ્થળેથી મૃતદેહનો કબજો લેવાની પરિવારજનોએ ના પાડી હતી. ગામડી ચારરસ્તાની બંને તરફ 3 – 3 કિમી વાહનોની લાઈન લાગી હતી.
છેલ્લા ઘણા સમયથી સતત આ રસ્તા પર અકસ્માત થતો હોવાથી આસપાસના લોકોમાં તંત્ર સામે રોષની લાગણી ફેલાઈ હતી. ચારસ્તા પર લાગેલા CCTV ફૂટેજમાંથી દંપતીને અડફેટે લેનાર વાહનની ઓળખ કરી સ્થાનિકો કાયદેસરની કાર્યવાગી કરવા માગ કરવામાં આવી છે. અગાઉ તા.31 ડિસેમ્બરે પણ આ જ ચોકડી પર અકસ્માતનો બનાવ બન્યો હતો. એ સમયે પણ અકસ્માતના CCTV ફૂટેજ ન મળ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ CCTV ફૂટેજ બંધ હોવાનો સ્થાનિકો અને પરિવારજનોએ આક્ષેપ મૂક્યો હતો. ત્યારે હવે ફરી ગામડી ચારસ્તા પર જ અકસ્માત સર્જાતા, CCTV ફુટેજ અંગે કોઈ જાણકારી ના આપવામાં આવતા સ્થાનિકોએ મૃતદેહ લેવાની ના પાડી હતી. સ્થાનિકોએ ગામડી ચારસ્તા પર ટ્રાફિક જામ કર્યો હતો. ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાંથી 108 ઇમરજન્સી સેવા માટે રાત્રે 9 વાગ્યા સુધી 3,367 કોલ આવ્યા હતા. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે 400 જેટલા કોલ વધુ આવ્યા હતા. ગાળામાં દોરી વાગવાના કારણે 248 જેટલા કોલ 108 ઇમરજન્સી સેવા માટે નોંધાયા હતા. દોરી વાગ્યાના 108 ઇમરજન્સી સેવાને સૌથી વધુ અમદાવાદમાં 74, વડોદરામાં 28, રાજકોટમાં 26, સુરતમાં 27 અને ભાવનગરમાં 10 કોલ આવ્યા હતા

