પંજાબ સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર મુલાકાત દરમિયાન સુરક્ષા ભંગ અંગે ગૃહ મંત્રાલય (MHA)ને રિપોર્ટ સોંપ્યો છે. આમાં ભટિંડાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) અજય મલુજાએ પીએમ મોદીની સુરક્ષામાં ખામી માટે ફિરોઝપુરના એસએસપીને જવાબદાર ઠેરવ્યા છે. ગૃહ મંત્રાલયે ભટિંડા એસએસપી સહિત 6 વરિષ્ઠ અધિકારીઓને શૉ કોઝ નોટિસ ફટકારી છે. આજે સાંજ સુધીમાં તેમનો જવાબ માંગ્યો છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે આ 6 અધિકારીઓ તા.5 જાન્યુઆરીએ વડાપ્રધાનની સુરક્ષા માટે જવાબદાર હતા. હવે પંજાબ સરકારે આ રિપોર્ટ MHAને મોકલી દીધો છે. જો સૂત્રોનું માનીએ તો, માલુજાએ દાવો કર્યો હતો કે તેણે પીએમના કાફલાને તેમના અધિકારક્ષેત્રમાં સલામત માર્ગ પૂરો પાડ્યો હતો. સુરક્ષામાં ક્ષતિ માટે ફિરોઝપુરના એસએસપી હરમન હંસને જવાબદાર ઠેરવ્યા હતા. ભટિંડા SSPએ ફિરોઝપુર SSP પર પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પોતાના કાર્યક્ષેત્રમાં વિરોધીઓને પીએમ મોદીના રૂટ પર જવા દીધા. અહેવાલમાં જણાવાયું છે કે ખેડૂતોનો વિરોધ અચાનક થયો હતો. આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે. તપાસ ટીમની રચના કરવામાં આવી છે. પંજાબ સરકારે અહેવાલમાં ઘટનાક્રમનો ક્રમ પણ શેર કર્યો છે. દાવો કર્યો છે કે ખેડૂતોનો વિરોધ ‘અચાનક’ હતો. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ માટે બે સભ્યોની પેનલની રચના કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે ભારતીય કિસાન યુનિયન એ દાવો કર્યો હતો કે વિરોધ કરી રહેલા ખેડૂતોને ફિરોઝપુરના એસએસપી હરમન હંસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદીનો કાફલો આ માર્ગ પરથી પસાર થશે અને તેઓએ ફ્લાયઓવર પાસેનો રસ્તો સાફ કરવા કહ્યું. પરંતુ, વિરોધીઓને લાગ્યું કે એસએસપી જૂઠું બોલી રહ્યા છે, તેથી તેઓ રસ્તામાંથી હટ્યા નહીં.

ખેડૂતોને હટાવવામાં ન આવતાં PMનો કાફલો લગભગ 20 મિનિટ સુધી એ જ સ્થળે અટવાઈ ગયો હતો. રસ્તા પર ખાનગી વાહનો આવતા જોવા મળ્યા હતા, જેને સુરક્ષાનો મોટો ભંગ માનવામાં આવે છે. આ ભૂલને કારણે પીએમ મોદી ભટિંડા એરપોર્ટ પરત ફર્યા હતા. તા.5 જાન્યુઆરીએ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. પંજાબ સરકારે ગુરુવારે રાત્રે પોતાનો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબના મુખ્ય સચિવે પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિના કારણો વિશે તથ્યો સાથેનો રિપોર્ટ મોકલ્યો છે. ફિરોઝપુરમાં પીએમની સુરક્ષામાં લાગેલા અધિકારીઓ સાથે વાત કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીએમની મુલાકાતનો સમગ્ર પંજાબમાં વિરોધ થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને વધારાના સુરક્ષા દળો તૈયાર કરવામાં આવ્યા હતા.

