દેશમાં વેક્સીનેશન ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન વેક્સીનેશન પ્રોગ્રામમાં પણ કેટલાક છબરડા સામે આવી રહ્યા છે. ક્યાંક વેક્સીન ન લીધી હોવા છતા સર્ટિફિકેટ મળી જાય છે તો ક્યારેક મૃતકના નામથી સર્ટિફિકેટ આવે છે. આવી ઘટનાઓ ધ્યાન ખેંચે છે. રાજકોટ શહેરમાં રહેતો એક પરમાર પરિવાર વેક્સીનેશનના આવા જ છબડાનો ભોગ બન્યું છે. આઠ મહિના પહેલા જે વ્યક્તિનું અવસાન થયું તે વ્યક્તિએ તા.31 ડીસેમ્બર 2021ના રોજ વેક્સીનેશનનો બીજો ડોઝ લીધા હોવાનો મેસેજ સામે આવ્યો હતો.
એટલું જ નહીં સર્ટિફિકેટ ઈશ્યુ થતા પરિવારજનો પણ ચોંકી ગયા હતા. રાજકોટ શહેરના હરિલાલ કાનજીભાઈ પરમાર નામના વ્યક્તિએ તા.16 માર્ચ 2021ના રોજ પહેલો ડોઝ લીધો હતો. એ પછી તા.22 એપ્રિલ 2021ના રોજ કોરોનાને કારણે એમનું અવસાન થયું હતું. પણ હવે આઠ મહિના બાદ તા.31 ડીસેમ્બર 2021ના રોજ વ્યક્તિએ બીજો ડોઝ લીધો છે એવો મોબાઈલમાં મેસેજ આવ્યો હતો. વેક્સીનેશન કરાવ્યું એવું સર્ટિફિકેટ પણ આવ્યું હતું. આ છબરડો સામે આવ્યો ત્યારે પરિવારના સભ્યો પણ થોડા સમય માટે ચોંકી ગયા હતા. સરકાર તરફથી વેક્સીનેશનને વેગ આપવા માટે જોરશોરથી કામગીરી થઈ રહી છે. હવે 15થી 18 વર્ષના કિશોરનું પણ વેક્સીનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પણ આ પ્રકારના છબરડા સામે આવતા તંત્ર સામે અનેક પ્રકારના સવાલ ઊભા થયા છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તમામ લોકોને વેક્સીનેટ કરવા માટે જોરશોરથી પગલાં ભરવામાં આવી રહ્યા છે પણ આવા છબરડા સામે આવતા કામગીરી સામે પ્રશ્ન ઊઠે છે. જ્યારે પરિવારમાં એ પ્રશ્ન ચર્ચામાં છે કે, વ્યક્તિ હાજર નથી તો તા.31મી ડીસેમ્બરના રોજ એના બદલે વેક્સીન લેવા માટે કોણ ગયું?
આ પહેલા મોરબીમાંથી પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. મોરબી પાસેના હળવદમાં ત્રણ યુવાનોને વેક્સીનનો બીજો ડોઝ આપવાનો બાકી હતો તેમ છતાં એમના નામના સર્ટિફિકેટ મળ્યા હતા. જ્યારે આ યુવાનોની તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે ત્રણેય યુવાને માત્ર પહેલો ડોઝ જ લીઘો હતો. બીજો ડોઝ લેવાનો બાકી હતો. તેમ છતાં તંત્ર તરફથી બીજો ડોઝ લીધાનું સર્ટિફિકેટ આવી ગયું હતું. જોકે, આવી ઘટનાઓ થતા રજીસ્ટ્રેશનમાં લોલમલોલ ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે.

