અરવલ્લી જિલ્લામાંથી થર્ટી ફર્સ્ટની સાંજે મહેફિલ માણતા સરકારી કર્મચારીઓ ઝડપાયા છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ બંને સરકારી કર્મચારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી એક બાતમીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અરવલ્લીના માલપુર અને બાયડના બે નાયબ મામલતદાર દારૂ પી રહ્યા હતા. બે નાયબ મામલદાર અણીયોર ગામેથી દારૂના નશાની હાલતમાં મળી આવ્યા હતા.
આ મામલે DYSPની ટીમે તમામને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ મામલે મહેસુલ મંત્રીએ દારૂની મહેફીલ માણતા ઝડપાયેલા બંને નાયબ મામલતદાર સામે ખાતાકીય પગલાં લેવાના આદેશ આપ્યા છે. રીપોર્ટ અનુસાર અરવલ્લીના અણીયોર ગામે ગીતા કિસાન સેવા કેન્દ્ર પાસે આવેલા પેટ્રોલ પંપની પાછળના ભાગે આવેલી ઓરડીમાં તા.31મી ડીસેમ્બરના રોજ દારૂની મહેફીલ ચાલતી હતી. આ વાતની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જે મામલે પોલીસ તપાસ કરવા માટે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમે અહીં ઓરડીમાં તપાસ કરતા માલપુ અને બાયડ ગામના નાયબ મામલતદાર જેમીન પટેલ તથા નીલેશ પટેલ દારૂ પીતા ઝડપાયા હતા. એની સાથે બીજા પણ બે વ્યક્તિઓ મળ્યા હતા. નશાની હાલતમાં મળેલા આ ચારેય વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે સરકારી કર્મચારીઓ સામે કાયદેસરની તપાસના આદેશ કરાયા છે. પોલીસે જ્યારે આ ચારેય વ્યક્તિઓની પૂછપરછ કરી ત્યારે આરોપીઓની જીભ તોતડાતી હતી. નામ પણ યોગ્ય રીતે બોલી શકતા ન હતા. જ્યારે એમનું મોઢું સુંઘવામાં આવ્યું ત્યારે દારૂ પીધો હોવાનું પુરવાર થયું હતું.
જ્યારે પોલીસ એમને ચાલવાનું કહ્યું ત્યારે લથડિયા ખાઈ રહ્યા હતા. જ્યારે પોલીસે લીકર પરમીટ અંગે પૂછ્યું ત્યારે એમની પાસે કોઈ પ્રકારની પરમીટ ન હતી. પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. બીજી તરફ રાજકોટ પાસે ખારચિયા ગામે આવેલી વાડીમાં હર્બલ ટોનિકના નામે દેશી દારૂ બનાવવાનું કારખાનું મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસે ટીમ સાથે તપાસ કરીને રૂ.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

