ગાંધીનગર, બુધવાર
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરમાં ‘ક્રિમિનોલોજી એન્ડ ક્રિમિનલ જસ્ટીસ રિફોર્મ્સ’ વિષય ઉપર બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ તા.21મી ડિસેમ્બરના રોજ થયો હતો. પરિસંવાદના પ્રથમ દિવસે કુલ ત્રણ સમજૂતી કરાર (MoU) કાયદાકીય સંસ્થાઓ સાથે કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર, સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ (ડિમ્ડ યુનિવર્સિટી), પૂણે અને લોયડ લો કોલેજ, ગ્રેટર નોઈડાએ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે સમજૂતી કરાર કર્યા હતા. જે અંતર્ગત શૈક્ષણિક સંસ્થાનો સંયુક્ત રીતે સિમ્પોસિયા, વર્કશોપ, સંશોધન, સ્ટુડન્ટ્સ એક્સચેન્જ સહિતના આયોજન પણ કરશે.
આ પ્રસંગે પ્રોફે. (ડૉ.) શશિકલા ગુરપુર, ડિરેક્ટર, સિમ્બાયોસિસ લૉ સ્કૂલ, સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી), પુણે; શ્રી મનોહર થૈરાની, લોઈડ લો સ્કૂલના પ્રમુખ અને પ્રો. (ડૉ.) એસ. શાંતાકુમાર, વાઇસ ચાન્સેલર, ગુજરાત નેશનલ લો સ્કૂલ, ગાંધીનગર, ડૉ. જે. એમ. વ્યાસ, કુલપતિ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર સાથે MoU પર હસ્તાક્ષર કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ પરિસંવાદનું નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક સાયન્સ એન્ડ પોલીસી સ્ટડીઝ અને સ્કૂલ ઓફ ફોરેન્સિક સાયકોલોજી તથા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અને ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિમિનોલોજીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું.
આ પરિસંવાદના ઉદ્ઘાટન પ્રસંગે મંચ ઉપર પ્રિયાંક કાનૂન્ગો, ચેરપર્સન, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ, નવી દિલ્હી, જસ્ટિસ કલ્પેશ એસ. ઝવેરી, પૂર્વ ચીફ જસ્ટિસ, ઓડિસ્સા હાઈકોર્ટ, કટક, શ્રીમતી જાગૃતિબેન પંડ્યા, ચેરપર્સન, સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ, ગુજરાત, પ્રોફે. (ડૉ.) એસ. શાંથાકુમાર, કુલપતિ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર, ડૉ. જે. એમ. વ્યાસ, કુલપતિ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર, પ્રોફે. (ડૉ.) એસ. ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, એનએફએસયુ, ડૉ.પૂર્વી પોખરીયાલ, ડીન-સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલીસી સ્ટડીઝ, એનએફએસયુ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રો. બી.બી.પાંડે, પ્રોફેસર, કેમ્પસ લો સેન્ટર, ફેકલ્ટી ઓફ લો, યુનિવર્સિટી ઓફ દિલ્હી, નવી દિલ્હીએ વર્ચ્યૂઅલ મોડમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.
સ્વાગત પ્રવચનમાં ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, સમયની સાથોસાથ કાયદાઓમાં પણ ફેરફાર કરવો પડે છે. જે માટે મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં ગુનાની ઓળખ તથા સુધારણા થવી જરૂરી છે. ગુનાની ઓળખ કરવી અને ફોજદારી સુધારણા પ્રણાલીમાં માનવીય અભિગમ અપનાવવો એ સમયની માગ છે. પ્રિયાંક કાનૂન્ગો, ચેરપર્સન, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ, નવી દિલ્હીએ જણાવ્યું હતું કે સમાજ, નૈતિકતા અને ગુના વચ્ચેના સંબંધને સમજવા માટે ગાંધીવાદી વિચારસરણીનું મહત્ત્વનું યોગદાન છે. જેનાથી સમાજમાં સુવ્યવસ્થા સુદૃઢ રહે. વર્તમાન સમયમાં બાળકોની સુરક્ષા માટેના અધિકારો વધુ મજબૂત બને તે માટે કમિશન કાર્યરત્ છે.
ઉલ્લેખનીય છે કે, આ પરિસંવાદનો હેતુ કાયદો અને ગુનાવિજ્ઞાનના સંદર્ભમાં આપરાધિક ન્યાય પ્રણાલીની સૂક્ષ્મતાને સમજવાનો છે. આ પરિસંવાદમાં મુખ્યત્વે – વાયોલન્સ અગેન્સ ચિલ્ડ્રન એન્ડ જુવેનાઈલ જસ્ટિસ, જેન્ડર બેઝ્ડ વાયોલન્સ, ક્રિમિનલ જસ્ટિસ રીફોર્મ્સ, વિક્ટિમોલોજી વિષય ઉપર ચર્ચા-વિચારણા થઈ રહી છે. આ પ્રસંગે એન.એફ.એસ.યુ.ના એક્ઝિક્યુટીવ રજિસ્ટ્રાર સી. ડી. જાડેજા સહિત કાયદાકીય નિષ્ણાતો, યુનિવર્સિટીના ડીન્સ, વરિષ્ઠ અધ્યાપકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

