ચંદીગઢ, મંગળવાર
પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને ફરી એકવાર આંચકો લાગ્યો છે. ગુરુ હર સહાયથી ધારાસભ્ય અને પંજાબના પૂર્વ મંત્રી રાણા ગુરમીતસિંહ સોઢી ભાજપમાં સામેલ થયા છે. ગુરમીતસિંહ સોઢી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે. ભાજપમાં સામેલ થયા બાદ સોઢીએ કહ્યુ છે કે મે પંજાબની ભલાઈ માટે આ નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદી અને ભાજપ પંજાબને બચાવી શકે છે. ગુરમીતસિંહ સોઢીએ કહ્યુ છે કે કોંગ્રેસે રાજ્યની સુરક્ષા અને કોમવાદી શાંતિ-વ્યવસ્થાને દાંવ પર લગાવી દીધી છે. કોંગ્રેસની ધર્મનિરપેક્ષ છબી સંપૂર્ણપણે હવે નષ્ટ થઈ ચુકી છે. કોંગ્રેસમાં આ પરસ્પરની લડાઈ પંજાબ માટે ખતરનાક સ્થિતિ પેદા કરી રહી છે.
રાણા ગુરમીતસિંહ પંજાબમાં દિગ્ગજ નેતાઓમાં સામેલ છે. ગુરમીતસિંહ ચાર ટર્મ વિધાનસભા ચૂંટણી જીતી ચુક્યા છે.2002માં ગુરમીતસિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેના પછી તેઓ 2007, 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જીત મેળવવામાં કામિયાબ રહ્યા હતા. 2018માં કોંગ્રેસ પાર્ટી તરફથી ગુરમીતસિંહને ચીફ વ્હિપ બનાવવામાં આવ્યા હતા. 67 વર્ષીય ગુરમીતસિંહ 1973થી રાજનીતિમાં સક્રિય છે. તેઓ ભારતીય યૂથ કોંગ્રેસનો હિસ્સો પણ રહી ચુક્યા છે. ઈન્ડિયન યૂથ કોંગ્રેસના મેમ્બર તરીકે રાણા ગુરમીતસિંહે સ્પોર્ટ્સ અને એજ્યુકેશનના મુદ્દાઓને પ્રાથમિકતા સાથે ઉઠાવ્યા હતા.
ગુરમીતસિંહ સોઢીના કોંગ્રેસ છોડવાને લઈને કહેવામાં આવે છે કે પંજાબ કેબિનેટમાંથી હટાવાયા બાદથી સોઢી નારાજ ચાલી રહ્યા હતા. જ્યારે કેપ્ટન અમરિન્દરસિંહએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું, ત્યારે તેના પછી રાજ્યમાં ચરણજીતસિંહ ચન્નીની સરકાર બની હતી. સોઢી કેપ્ટન અમરિન્દરસિંહની સરકારમાં ખેલ મંત્રી હતા. પરંતુ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ તેમને નવા કેબિનેટમાં સ્થાન આપ્યું ન હતું.

