ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ-કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના છ દિવસ બાદ એની કબૂલાત કરી છે. આ મામલે અત્યારસુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. બીજી તરફ, યુવરાજસિંહે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે અસિત વોરાને દૂર કરો, નહીં તો ફરી રસ્તા પર આંદોલન થશે.

યુવરાજસિંહે કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે પરીક્ષા રદ થાય, જ્યાં સુધી આ મુદ્દે તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને તેમના પદથી દૂર કરવામાં આવે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે પેપર લીક કરનારા સૂત્રધારોને રાજકીય નેતાઓનું પીઠબળ છે. અમે અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. જો તેમને દૂર નહીં કરાય તો અમે આંદોલન કરીશું. આ કેસમાં સરકારે દાખલ કરેલી તમામ કલમો હળવી છે. આરોપીઓ સામે રાજદ્રોહની કલમો લગાવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે મારી પાસે ગોપનિય પુરાવા છે તે અમે ગૃહ રાજ્ય મંત્રીને આપીશુ. હાલ તો તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરા પાસે ગૌણ સેવા અધ્યક્ષનો ચાર્જ લઈ લેવામાં આવે અને ગૌણ સેવા અધ્યક્ષ તરીકે બીજી વ્યક્તિને બનાવવામાં આવે તેવી માંગણી તેમણે કરી હતી.

યુવરાજસિંહે કહ્યું હતું કે પોલીસે હજુ વચેટિયાઓને જ પકડ્યા છે. મેઇન લોકોને પકડવાના બાકી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર અમને વિશ્વાસ છે.સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે પેપર સોફ્ટકોપીમાં ફરતું હતું જેની કોઈ તપાસ કરી રહ્યું નથી. આ મુદ્દે તપાસ થઈને જે પણ ગુનેગારો છે તેમને સજા થવી જોઈએ. જો આ જ રીતે પેપર ફેલાવાનો વ્યાપ વધુ હોત તો પરીક્ષા રદ થવી જોઈએ. આટલી કોન્ફિડેન્સિયલ માહિતી રાજકીય વગ વગર બહાર ન આવી શકે. આરોપીઓ રાજકીય વગ અને આર્થિક વગ ધરાવતા હોય શકે. તેમણે કહ્યું હતું કે મુખ્ય સૂત્રધાર સાબરકાંઠા જિલ્લાના જ હોઈ શકે. તપાસ સુધી આસિત વોરાને પદ્દ પરથી દૂર કરવા જોઈએ

