ગાંધીનગર, ગુરૂવાર
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી અને આ પપેર લીક થયા બાદ સાબરકાંઠાના પ્રાંતિજના ઊંછા ફાર્મહાઉસમાં 10થી 12 લાખમાં વેચાયું હોવાનો આક્ષેપ કરાયો હતો. આ આક્ષેપ બાદ રાજ્ય સરકાર પણ સક્રિય થઈ ગઈ હતી અને સાબરકાંઠા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે અત્યાર સુધી કુલ ૨૪ જણાની અટકાયત કરી છે અને હજુ તપાસ ચાલુ રહી છે. બીજી તરફ પેપરકાંડનો મુદ્દો રાજ્યભરમાં પ્રસરતાં આખરે ગૌણ સેવા મંડળના ચેરમેને સ્વીકાર્યું છે કે, પેપર લીક થયું હતું અને આ મામલે તેમણે સાબરકાંઠા પોલીસને મેઈલ કર્યો છે. રાજ્ય સરકાર સાંજ સુધી આ મામલે મોટી જાહેરાત કરી શકે છે અને પેપરકાંડમાં અનેકની ધરપકડ થાય તેવા ભણકારા વાગી રહ્યા છે અને પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે. ગૌણ સેવા મંડળમાં પરમાર સાહેબ કોણ છે તેને લઈ રહસ્ય ઘૂંટાયું છે અને આવનારા દિવસોમાં મંડળના પગ નીચે પણ રેલો આવી શકે છે અને ભૂતકાળમાં કેટલા પેપર લીક કર્યા તેના પણ ઘટસ્ફોટ થઈ શકે છે.
હેડ ક્લાર્કનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના યુવરાજસિંહે કર્યો હતો અને તેમણે મીડિયાને પુરાવા પણ આપ્યા હતા. ભારે ઉહાપોહ મચતાં આખરે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી હતી. મંડળના ચેરમેન અસિત વોરાએ તો એક જ રેકર્ડ વગાડી હતી કે, પુરાવા મળ્યા નથી અને ઠોસ પૂરાવા મળશે પછી ફરિયાદ કરીશું. જાે કે, આ બધાની વચ્ચે હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે અને અસિત વોરાએ જ સાબરકાંઠા પોલીસને મેઈલ કર્યો છે અને કહ્યું છે કે, પેપર લીક થયું હતું. હવે આ મામલે ૧૦થી ૧૫ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ શકે છે અને કેટલાય શખ્સોની ધરપકડ થઈ શકે છે. પેપરકાંડમાં હિંમતનગરના એક શાળાના આચાર્ય તેમજ ચાર શિક્ષકોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આચાર્યએ રૂપિયા ચાર લાખમાં ખરીદેલું પેપર સુરેન્દ્રનગરમાં રૂા.10લાખમાં વેચ્યું હોવાની ચર્ચા છે. પરીક્ષાના બે કલાક પહેલાં હેડ ક્લાર્કનું પેપર વડોદરાના ત્રણ, ભાવનગર,સુરેન્દ્રનગર અને કચ્છના એક એક ઉમેદવારને જવાબો મળ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહી પણ ભાવનગર, પ્રાંતિજ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પરીક્ષા પહેલાં એટલે કે સવારે 10.36 કલાકે પેપર પહોંચ્યું હતું.

