ગાંધીનગર, ગુરૂવાર
મહામારી કોરોના વિશ્વભરમાં લાખો લોકોનો ભોગ લીધા પછી પણ હજી શમવાનું નામ લેતી નથી અને ઓમિક્રોનના નવા સ્વરૂપથી હવે વિશ્વના દેશોમાં તરખાટ મચાવી રહી છે. કોરોનાના આ નવા વેરિયન્ટનો ભારત અને ગુજરાતમાં પણ પગપેસારો થતા સરકાર સફાળી ચોંકી ઊઠી છે. જોકે ગુજરાત સહિત ભારતમાં થયેલા સઘન રસીકરણના પગલે ઓમિક્રોનની અસર નહિવત દેખાઈ રહી છે. આમ છતાં અગમચેતીના ભાગરૂપે કોરોનાની ત્રીજી લહેરથી દેશને બચાવવા માટે રસીનો એકસ્ટ્રા ડોઝ આપવાની વિચારણા કેન્દ્ર સરકાર કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
વિશ્ર્વના અમુક દેશોએ પોતાના નાગરિકોને બૂસ્ટર ડોઝ દેવાનું પણ ચાલુ કરી દીધું છે. જોકે, બૂસ્ટર ડોઝના ફાયદા અંગે કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા હજુ સુધી સામે આવ્યા નથી. દરમિયાનમાં, ભારતમાં પણ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી અને ગંભીર રોગોથી પીડિત દર્દીઓને કોરોના રસીનો એકસ્ટ્રા ડોઝ અને બાળકોના રસીકરણ પર પણ આ બેઠકમાં વિચાર કરવામાં આવ્યો હતો. જો કે, આ મુદ્દાઓ પર સભ્યો દ્વારા હજુ સુધી કોઈ અંતિમ સંમતિ કે ભલામણ આપવામાં આવી નથી.
ઘણા દેશો તમામ પુખ્ત નાગરિકોને જે બુસ્ટર ડોઝ આપી રહ્યા છે, એના કરતા વધારાના ડોઝ અલગ હશે. બીજી તરફ, એવા લોકોને એક્સ્ટ્રા ડોઝ આપી શકાય છે જેઓ પહેલાથી જ ગંભીર રોગોથી પીડિત છે. જેમાં કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને એઈડ્સના દર્દીઓનો સમાવેશ થાય છે. આ દર્દીઓને રોગપ્રતિકારક – સમાધાન અને ઇમ્યુનો – સપ્રેસ્ડ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એટલે કે જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. આ લોકોને રસીના નિયમિત ડોઝ ઉપરાંત વધારાના ડોઝ આપીને કોવિડ- 19 ના સંભવિત જોખમોથી બચાવવાનો પ્રયાસ કરી શકાય છે. બાળકોના રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. (તસવીર પ્રતિકાત્મક છે)

