નવી દિલ્હી, બુધવાર
ઓમિક્રોનના ખતરાની વચ્ચે જ્યાં એક તરફ વધારેમાં વધારે રસીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરાય રહ્યું છે, તો બીજી તરફ નીતિ પંચના સદસ્ય ડૉ. વી. કે. પૉલે કરેલી એક ટીપ્પણીને કારણે કોરોનાને લઈને ફરી એકવાર ટેન્શન વધવાની સંભાવના છે. ડૉ. પૉલે મંગળવારે કહ્યુ છે કે ઉભરતી પરિસ્થિતિઓમાં આપણી કોરોના વેક્સિનના નિષ્પ્રભાવી થવાની આશંકા છે.
ડૉ. વી. કે. પૉલે કહ્યુ છે કે એવી પ્રબળ સંભાવના છે કે ઉભરતી પરિસ્થિતિઓમાં આપણી રસી બેઅસર થઈ જાય. તેથી એકજૂટ થઈને કોરોનાના નવા વેરિએન્ટનો સામનો કરવા માટે રસી બનાવવાની જરૂરત છે. તેમણે કહ્યુ છે કે દવાઓના વિકાસ માટે પહેલેથી નક્કર દ્રષ્ટિકોણની જરૂરત છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, ડૉ. પૉલે કહ્યુ છે કે હાલ પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે દુનિયાભરમાં વેક્સિન પહોંચે અને કોઈપણ પાછળ રહે નહીં.તેમણે કહ્યુ છે કે મહામારીનો સામનો કરવા માટે વિજ્ઞાનમાં રોકાણ પર ભાર મૂકવાની પણ જરૂરત છે. ડૉ. પૉલ સીઆઈઆઈ પાર્ટનરશિપ સમિટમાં બોલી રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ભારતમાં ઓમિક્રોનના કેસ હવે વધીને 61 પર પહોંચી ગયા છે. તો બ્રિટનમાં પણ તે ઝડપથી પગ ફેલાવી રહ્યો છે. બ્રિટનમાં આ વર્ષે જાન્યુઆરી બાદથી અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. એકલા બ્રિટનમાં જ ઓમિક્રોન વેરિએન્ટના 5 હજાર કેસ આવી ચુક્યા છે.

