દાઉદી વ્હોરા સમાજનાં ધાર્મિક સ્થળોએ પાયાની સુવિધાઓ ઊભી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ રજૂઆત
મોરબીની નાની બજારમાં આવેલી મોલાઈ રાજા સાહેબની શેરીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અને જરૂરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા દાઉદી વ્હોરા સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સમાજના આસ્થાનાં પ્રતીક સમાન આ ઐતિહાસિક શેરીમાં દરરોજ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મુલાકાતે આવતા હોવાનું જણાવાયું છે.
મોલાઈ રાજા સાહેબની શેરીમાં મોલાઈ રાજા સાહેબનું મકાન, મસ્જિદ અને ઐતિહાસિક પાણીનો કૂવો સહિત ત્રણ મહત્ત્વપૂર્ણ સ્થળો આવેલાં છે. આ સ્થળો સાથે ઈ.સ. ૧૪૧૪ના ઇતિહાસની સ્મૃતિઓ જોડાયેલી હોવાનું સમાજ દ્વારા જણાવાયું છે. ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં આ સ્થળોનાં દર્શન માટે દાઉદી વ્હોરા સમાજના લોકો દૂરદૂરથી આવે છે.
આ શેરીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સફાઈ, ભૂગર્ભ ગટર વ્યવસ્થા સહિતની આવશ્યક પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ અંગે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સંકલન સમિતિમાં ઇનવર્ડ નંબર ૧૪૯૦૨૬, તા. ૧૨-૧૦-૨૦૨૬ના રોજ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
મોરબી દાઉદી વ્હોરા સમાજના પીઆરઓ જુઝર મોહસીનભાઈ અમીને સંબંધિત તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય આદેશ આપી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી નમ્ર અપીલ કરી છે. આ સ્થળનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તો મોરબીના ઐતિહાસિક વારસાને નવી ઓળખ મળવાની સાથે શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને પણ સુવિધા મળી શકે છે.
