ટંકારા નજીક માનતા પૂરી કરીને પરત ફરી રહેલા આમરણ ગામના એક આધેડને છરી બતાવી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા કાસમભાઈ નઝમલભાઈ તૈલી (ઉ.વ. 45)એ જાકીર આમદભાઈ માડકીયા અને હાજી આમદભાઈ માડકીયા, બંને રહે. ટંકારા, વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, કાસમભાઈ માનતા પૂરી કરીને ટંકારા તરફથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ખીજડિયા રોડ પર જાકીર માડકિયાએ પોતાની પત્ની રીસામણે હોવાનો ખાર રાખી, એક્ટિવા જેવા મોટરસાયકલ પર આવી તેમની ગાડી પાસે વાહન લાવ્યું હતું. ત્યારબાદ છરી બતાવી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.
આ ઉપરાંત, હાજી માડકિયાએ ફરિયાદીના મામા ઉમરભાઈના ફોનમાંથી પણ કાસમભાઈને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદના આધારે ટંકારા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

