HomeGujarat"ચૂંટણી પત્યા પછી જ કેમ થાંભલા રોપવાનું કામ શરૂ થયું? કંપનીઓની કમાણી...

“ચૂંટણી પત્યા પછી જ કેમ થાંભલા રોપવાનું કામ શરૂ થયું? કંપનીઓની કમાણી માટે ખેડૂતોની ફળદ્રુપ જમીનનો ભોગ લેવાય છે” – ઈસુદાન ગઢવી

વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતી હાઈટેન્શન લાઈનો અને થાંભલાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને હવે રાજકીય સમર્થન મળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા આજે જેતપર ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આંદોલન પર બેઠેલા ખેડૂતોની મુલાકાત લઈ આપ નેતાઓએ તેમની માગણીઓને યોગ્ય ઠેરવી હતી અને આ લડાઈમાં તેમની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહેવાની જાહેરાત કરી હતી.

ખેડૂતોને સંબોધતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, “મેં ચૂંટણી પહેલા જ જનતાને ચેતવણી આપી હતી કે ચૂંટણી પતશે એટલે તરત જ ખેતરોમાં થાંભલા નાખવાનું કામ શરૂ કરી દેવાશે અને આજે એ જ થઈ રહ્યું છે.” તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ખેડૂતોના ખેતરમાં પરાણે થાંભલા નાખીને મોટી કંપનીઓ, સરકારી અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, નેતાઓ અને તેમની પાર્ટીઓ કરોડો રૂપિયા કમાઈ રહી છે, જ્યારે જમીન ગુમાવનાર જગતનો તાત ખાલી હાથે બેઠો છે.

ખેડૂતોને તેમની જમીન બદલ વળતર પેટે કોઈ નાની-મોટી લમસમ (એક સાથે) રકમ આપવાના બદલે, આ પ્રોજેક્ટ્સમાંથી થતી કમાણીનો દર મહિને 8 થી 10 ટકા પ્રોફિટ (નફા) નો હિસ્સો કાયમી ધોરણે આપી દેવો જોઈએ.તેવી માંગ ઈસુદાન ગઢવીએ કરી હતી આ સાથે તેમણે વીજ કંપનીઓ અને સરકારને ચીમકી આપતા ઉમેર્યું કે, જો ખેડૂતો પર અન્યાય વધશે તો આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને ખેડૂતોની પડખે ઊભા રહી જશે.

આ પ્રસંગે હાજર આપના ધારાસભ્ય હેમંત ખવાએ પણ કંપનીઓની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ખાનગી કંપનીઓને આંધળો ફાયદો કરાવવા માટે ખેડૂતોની વર્ષો જૂની કિંમતી અને ફળદ્રુપ જમીનોમાંથી બળજબરીપૂર્વક લાઈનો પસાર કરવામાં આવી રહી છે. જેતપર ગામ આજે જે લડત લડી રહ્યું છે, તે માત્ર એક ગામની નથી પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોના અસ્તિત્વની લડાઈ છે.

હેમંત ખવાએ ખેડૂતોને એક થવા આહવાન કરતા જણાવ્યું કે, “એક-એક ગામમાં અલગ-અલગ આંદોલન કરવાના બદલે, હવે સમય આવી ગયો છે કે કાયદામાં જ જરૂરી સુધારો કરાવવા માટે આખા ગુજરાતમાંથી એક અખંડ અને મજબૂત આંદોલન ઊભું કરવામાં આવે.” આપ નેતાઓની આ મુલાકાત બાદ જેતપર પંથકમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW