20 દિવસના ગહન અભ્યાસ અને ટેકનિકલ સર્વેલન્સ બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ વર્ષ 2023, 2024 અને 2025ના વણઉકેલાયેલા 7 જટિલ કેસોનો ભેદ ઉકેલ્યો; ગુજરાત, મહારાષ્ટ્ર, એમ.પી. અને પશ્ચિમ બંગાળમાં ઓપરેશન પાર પાડ્યું
સુરત શહેર પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર (ક્રાઇમ) અને નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ને એક બહુ મોટી સફળતા મળી છે. શહેરમાંથી ગુમ થયેલા સગીરો અને અપહરણના વણઉકેલાયેલા ગુનાઓ પર કડક કાર્યવાહી કરવાના આદેશ અન્વયે, AHTU ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. શેરગીલ અને તેમની ટીમે માત્ર 10 દિવસના ગાળામાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યો (મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ) માંથી અપહરણના 7 જટિલ ગુનાઓ ડિટેક્ટ કરી ભોગ બનનાર સગીરોને હેમખેમ મુક્ત કરાવ્યા છે અને આરોપીઓને દબોચી લીધા છે.
50 દિવસની મહેનત અને મજબૂત ઇન્ટેલિજન્સ નેટવર્ક
AHTU ની ટીમે છેલ્લા 50 દિવસ દરમિયાન વર્ષ 2023, 2024 અને 2025ના પેન્ડિંગ રહેલા કેસોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું મજબૂત નેટવર્ક ગોઠવવામાં આવ્યું હતું, જેના કારણે આ સફળતા મળી છે. આ માત્ર કાયદાકીય ડિટેક્શન નથી, પરંતુ 7 પરિવારોના આંગણે પાછી ફરેલી ખુશીઓ છે. વિખૂટા પડેલા સગીરોને તેમના પરિવાર સાથે મેળવી આપી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે.
4 રાજ્યોમાં ચાલેલા ઓપરેશનની વિગતો
AHTU ની ટીમે અલગ-અલગ ટીમો બનાવીને સ્થાનિક પોલીસ સાથે સંકલન સાધી નીચે મુજબના કેસોનો નિકાલ કર્યો છે:
| ક્રમ | પોલીસ સ્ટેશન (વર્ષ) | ભોગ બનનાર / આરોપી | ક્યાંથી ઝડપાયા / ઓપરેશન વિગત |
| 1 | ગોડાદરા પો.સ્ટે. (2023) | ભોગ બનનાર: રોહિત (17 વર્ષ, 10 માસ, મૂળ બિહાર) | તા. 19/04/2026ના રોજ સુરત ગ્રામ્યના પલસાણાના તાતીથૈયા ગામેથી શોધી કઢાયો. |
| 2 | પુણા પો.સ્ટે. (2024) | આરોપી: સંદિપ તેજાભાઇ મકવાણા (ઉં.વ.33) | તા. 23/05/2026ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતેથી ભોગ બનનાર સાથે ધરપકડ. |
| 3 | ચોક બજાર પો.સ્ટે. (2023) | આરોપી: કરણભાઇ રાધવભાઇ કોગતીયા (ઉં.વ.30) | તા. 06/06/2026ના રોજ બોટાદ જિલ્લાના બરવાળા પોલીસના સંકલનથી વહિયા ગામેથી ઝડપાયો. |
| 4 | લિંબાયત પો.સ્ટે. (2024) | આરોપી: મૈનુદિન અબ્દુલ ચૌધરી (ઉં.વ.28, રહે. યુ.પી.) | મહારાષ્ટ્ર ઓપરેશન: તા.02 /05/2026ના રોજ પાલઘર જિલ્લાના બોઇસર વિસ્તારમાંથી સગીરા સાથે ઝડપાયો. |
| 5 | કાપોદ્રા પો.સ્ટે. (2025) | આરોપી: રોહિત રામલખન ઉર્ફે નાનુ વર્મા (ઉં.વ.21, મૂળ એમ.પી.) | મહારાષ્ટ્ર ઓપરેશન: તા.01/06/2026ના રોજ મુંબઈના ગોરેગાંવની પ્રેમનગર ઝૂંપડપટ્ટીમાંથી ભોગ બનનાર સાથે તાબામાં લેવાયો. |
| 6 | ચોકબજાર પો.સ્ટે. (2025) | આરોપી: સુરજસિંધ કુશ્વાહ | મધ્ય પ્રદેશ ઓપરેશન: ચોકબજાર પોલીસ સાથે સંકલન સાધી તા. 12/05/2026ના રોજ મુરૈના જિલ્લામાંથી ભોગ બનનાર સાથે હસ્તગત કરાયો. |
| 7 | ડિંડોલી પો.સ્ટે. (2024) | ગુમ થયેલ સગીર બાળકી (સપ્ટેમ્બર-2024 થી ગુમ) | પશ્ચિમ બંગાળ ઓપરેશન: AHTU ની ટીમે પશ્ચિમ બંગાળના બર્મા ગામે રેડ કરી તા. 19/05/2026ના રોજ બાળકીને હેમખેમ મુક્ત કરાવી. |
જાણો, બાળક ગુમ થવાના કેસમાં તપાસની પ્રક્રિયા શું હોય છે?
સામાન્ય રીતે જ્યારે કોઈ બાળક ગુમ કે અપહરણ થાય છે, ત્યારે કાયદાકીય પ્રક્રિયા મુજબ તપાસના તબક્કા નીચે મુજબ હોય છે:
-
પ્રથમ 3 મહિના: ગુનો દાખલ થયા પછીના શરૂઆતના 3 મહિના સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનના પી.આઇ. (Police Inspector) દ્વારા આ કેસની તપાસ કરવામાં આવે છે.
-
ત્યારબાદનો 1 મહિનો: જો ૩ મહિનામાં બાળક ન મળી આવે, તો પછીના 1 મહિના સુધી એસીપી (ACP) કક્ષાના અધિકારી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવે છે.
-
AHTUને તબદીલ: આ સમયગાળા (કુલ 4 મહિના) બાદ પણ જો બાળક મળી ન આવે, તો વધુ ઊંડાણપૂર્વક અને વિશેષ તપાસ અર્થે કેસને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ખાતે મોકલી આપવામાં આવે છે.

