HomeGujaratડિજિટલ યુગમાં દેશની મહાગણતરી: 'સેલ્ફ એન્યુમેરેશન' શરૂ, જૂન મહિનામાં કર્મચારીઓ ઘરે-ઘરે જઈ...

ડિજિટલ યુગમાં દેશની મહાગણતરી: ‘સેલ્ફ એન્યુમેરેશન’ શરૂ, જૂન મહિનામાં કર્મચારીઓ ઘરે-ઘરે જઈ પૂછશે 33 સવાલો

રાજ્યમાં લાંબા સમય એટલે કે 15 વર્ષના અંતરાલ બાદ આજથી વસતી ગણતરીના મહાઅભિયાનનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે ગણતરી પ્રક્રિયાને વધુ આધુનિક બનાવતા નાગરિકો માટે ‘સેલ્ફ એન્યુમેરેશન’ (જાતે ઓનલાઈન માહિતી અપલોડ કરવી)ની સુવિધા શરૂ કરવામાં આવી છે. લોકો આગામી 31 મે સુધી ઘરે બેઠા પોતાની વિગતો પોર્ટલ પર નોંધી શકશે. ત્યારપછી, 1 જૂનથી આગામી ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

બે તબક્કામાં યોજાશે પ્રક્રિયા: 1 જૂનથી પ્રથમ તબક્કાનો પ્રારંભ

આ સમગ્ર વસતી ગણતરી બે અલગ-અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે:

  • પ્રથમ તબક્કો (1 જૂન થી 30 જૂન): આ સમયગાળા દરમિયાન ગણતરી કરનાર કર્મચારીઓ પ્રત્યેક પરિવારની મુલાકાત લઈને મકાનોની યાદી તૈયાર કરશે. આ દરમિયાન પરિવારના વડાને કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે.

  • બીજો તબક્કો (9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી, 2027): આ આખરી તબક્કામાં વસતીની ચોક્કસ સંખ્યા અને અન્ય વસ્તીવિષયક વિગતોની આખરી આંકડાકીય ગણતરી કરવામાં આવશે.

બદલાતા સમય સાથે વસતી ગણતરીમાં ૪ નવા પ્રશ્નોનો ઉમેરો

આ વખતની વસતી ગણતરીમાં આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોને સમજવા માટે પ્રથમવાર 4 નવા વિશિષ્ટ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારના મુખ્ય વ્યક્તિને પૂછવામાં આવનારા સવાલોમાં નીચેની બાબતો મુખ્ય આકર્ષણ રહેશે: 1. શું તમે ઈન્ટરનેટ સેવાનો ઉપયોગ કરો છો? 2. શું તમારી પાસે સ્માર્ટફોન છે? 3. શું ઘરમાં પીવા માટે બોટલના પાણી (પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર) નો ઉપયોગ થાય છે? 4. દૈનિક ખોરાકમાં મુખ્યત્વે કયા અનાજ/ધાન્યનો ઉપયોગ વધુ કરો છો?

ગુજરાતમાં 1.10 લાખનો સ્ટાફ તૈનાત; શિક્ષકોની મુક્તિ અંગે સરકાર નિર્ણય લેશે

ગુજરાતભરમાં આ મહાકાય કામગીરીને પહોંચી વળવા માટે 1.10 લાખ જેટલા સરકારી કર્મચારીઓની ફોજ મેદાનમાં ઉતારવામાં આવી છે. બીજી તરફ, શૈક્ષણિક કાર્યને અસર ન થાય તે માટે શિક્ષકો અને પ્રોફેસરો દ્વારા આ ફરજમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠી રહી છે. આ અંગે વસતી ગણતરી નિયામકે સ્પષ્ટતા કરી છે કે, શૈક્ષણિક સ્ટાફને મુક્ત રાખવા અંગેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર હસ્તક રહેશે.

મૂંઝવણના ઉકેલ માટે હેલ્પલાઇન અને પોર્ટલ જાહેર

વસતી ગણતરી અથવા ઓનલાઈન ફોર્મ ભરવા અંગે નાગરિકોને કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્ન હોય, તો તેના ત્વરિત નિવારણ માટે ભારત સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે:

  • ટોલ-ફ્રી નંબર: 1855 (1855)

  • સત્તાવાર વેબસાઇટ: www.censusindia.gov.in

તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય કાર્યમાં સાચી માહિતી આપી સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW