HomeGujaratમોરબીના જલારામ ધામ ખાતે નિઃશુલ્ક નેત્રમણી કેમ્પ યોજાયો: 250 દર્દીઓની તપાસ, 135...

મોરબીના જલારામ ધામ ખાતે નિઃશુલ્ક નેત્રમણી કેમ્પ યોજાયો: 250 દર્દીઓની તપાસ, 135 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલાયા

મોરબીના શ્રી જલારામ ધામ ખાતે સ્વ. જમનાબેન મણીલાલ ચંદારાણા (હ. દિનેશભાઈ ચંદારાણા-ભુજ, કચ્છ) પરિવારના સહયોગથી આયોજિત વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત કેમ્પમાં કુલ 250 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતમાં અગ્રણી માનાતી શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ–રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત આયોજન હેઠળ દર મહીનાની 4 તારીખે અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતિય નિ:શુલ્ક નેત્રમણી કેમ્પ યોજાય છે. તે અનુસંધાને તા. 4 મે 2026, સોમવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન કેમ્પ યોજાયો હતો.

કેમ્પ દરમિયાન 250 દર્દીઓની નિ:શુલ્ક તપાસ કરવામાં આવી હતી, જ્યારે 135 દર્દીઓને મફત નેત્રમણી ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડિયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા તથા ટીમ દ્વારા આંખોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. અદ્યતન ફેકો મશીન દ્વારા ટાંકા વગર સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે મફત ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવું, જમવાનું, ચા-નાસ્તો, ચશ્મા, દવાઓ અને આંખના ટીપાં સહિતની તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા સંપૂર્ણ નિ:શુલ્ક આપવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા 56 કેમ્પ દરમિયાન કુલ 15,744 લોકોનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું છે તેમજ 7,103થી વધુ દર્દીઓના સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. આ માસના કેમ્પમાં પણ 250 લોકોએ લાભ લીધો અને 135 દર્દીઓને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા.

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની સહિત અનેક સેવાભાવી આગેવાનો તેમજ શ્રી જલારામ સેવા મંડળ, જલારામ ધામ મહિલા મંડળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

આ કેમ્પ દર મહીનાની 4 તારીખે નિયમિત યોજાશે અને તેમાં ભાગ લેવા માટે અગાઉથી નોંધણી કરવાની જરૂર નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીએ આધાર કાર્ડ સાથે લાવવું જરૂરી રહેશે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (98250 82468), નિર્મિતભાઈ કક્કડ (99988 80588), હરીશભાઈ રાજા (98792 18415) તથા અનિલભાઈ સોમૈયા (85110 60066)નો સંપર્ક કરવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW