હળવદના મોરબી દરવાજા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં રહેતા દીપકભાઈ મનજીભાઈ સોનગરાએ હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપી ગીતાબેન સાહીલભાઈ ઈબ્રાહીમભાઈ જામણા, સાહીલભાઈ ઈબ્રાહીમભાઈ જામણા, આયનભાઈ સાહમદાર અને હસન હાજીભાઈ કુરેશી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમણે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા ગીતાબેન સાહીલભાઈ જામણા અને સાહીલભાઈ ઈબ્રાહીમભાઈ જામણા પાસેથી લગભગ 5 ટકા વ્યાજે તબક્કાવાર કુલ રૂ. 3,00,000 ઉછીના લીધા હતા.
ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ નિયમિત રીતે વ્યાજ ચૂકવતા હોવા છતાં આરોપીઓએ પછીથી વ્યાજનો દર વધારી 7 ટકા કરવાની માંગણી કરી. એટલું જ નહીં, તેઓએ ફોન તેમજ સામસામે ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને બળજબરીપૂર્વક રૂ. 44,000 વ્યાજ તરીકે વસૂલ્યા. આગળ ફરિયાદમાં ઉમેરાયું છે કે, આરોપીઓ વારંવાર તેમના ઘરે આવી જબરદસ્તી પ્રવેશ કરતા અને વધુ વ્યાજ તથા મુદલની કડક ઉઘરાણી કરતા. એક વખત તો આરોપીઓએ છરી લઈને આવી ફરીયાદીને ડરાવી ધમકાવી પૈસા માંગ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
આ ઘટનાને પગલે હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

