મોરબી જિલ્લા આદ્યોગિક અને ખેતી એમ બન્ને પ્રકારના સંયોજન ધરાવતા જિલ્લામાં સૌથી વધુ શ્રમિકો અને જરૂરિયાત મંદ પરિવાર વધુ રહે છે જેમને આરોગ્ય સુવિધા નિશુલ્ક અને ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાનું સૌથી વધુ મહત્વ રહેલું છે
ફીનિક્સ’ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થવાના ખમીર માટે જાણીતો મોરબી જિલ્લો હવે માત્ર સિરામિક કે ઘડિયાળ ઉદ્યોગ પૂરતો મર્યાદિત રહ્યો નથી. જાહેર આરોગ્ય ક્ષેત્રે મોરબીએ દેશભરમાં ડંકો વગાડ્યો છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લેવામાં આવેલી અત્યંત કડક કસોટીમાં મોરબીના 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર (સબ સેન્ટર)મળી કુલ 54 આરોગ્ય સંસ્થાઓને પ્રતિષ્ઠિત નેશનલ ક્વોલીટી અન્સ્યોરંસ સ્ટાન્ડર્ડ (NQAS) નું રાષ્ટ્રીય પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

સબ-સેન્ટર બન્યા ‘આયુષ્માન આરોગ્ય મંદિર’
મોરબીની આ સિદ્ધિમાં સિંહફાળો 47 આયુષ્માન આરોગ્ય મંદિરોનો છે. અગાઉ જે માત્ર ‘સબ-સેન્ટર’ ગણાતા હતા, તે હવે આધુનિક સુવિધાઓથી સજ્જ થયા છે. 12 પ્રકારની વ્યાપક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. NQAS ગાઈડલાઈન મુજબ વિવિધ આરોગ્ય સેવાઓ જેવી કે પ્રાથમિક આરોગ્ય ચકાસણી, માતૃત્વ સેવાઓ જેમ કે ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ તેમજ બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ જેમ કે બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટૂંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી,દર્દી કેંદ્રીત સેવાઓની ઉપ્લબ્ધ્તાઓ,સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી અને અન્ય તમામ સુવિધાઓ માટે આશરે 48 જેટલા માપ માપદંડો અંતર્ગત 567 જેટલા મુદ્દોમાંની ચકાસણીમાં શ્રેષ્ઠતા સાબીત કરવી પડે છે.
અહીં ઈ સંજીવની ટેલી-કન્સલ્ટેશન દ્વારા ગ્રામીણ દર્દીઓ સીધા જ નિષ્ણાત તબીબો સાથે વીડિયો કોન્ફરન્સથી પરામર્શ કરી શકે છે.મોરબી જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરમાં ફરજ આપતા મેડીકલ ઓફિસર,હેલ્થ વર્કર, સફાઈ કર્મી સ્ટાફની સતત મહેનત નું પરિણામ છે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ આ સફળતાને ટીમ વર્ક ગણાવી છે. જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરિયાએ જણાવ્યું હતું કે, “આ સફળતા મોરબીના એ તમામ ‘હેલ્થ વોરિયર્સ’ને સમર્પિત છે જેમણે સરકારી દવાખાનાઓને ‘આરોગ્યના પવિત્ર મંદિરો’માં પરિવર્તિત કર્યા હતા.
મોરબી જેટલા નાના જિલ્લામાં 7 પીએચસી 47 આરોગ્ય કેન્દ્રને આ સિદ્ધિ એ વાતની સાબિતી છે કે મોરબી જિલ્લામાં છેવાડાના માનવી સુધી પહોંચતી સરકારી સેવાઓ હવે માત્ર ‘સેવા’ નથી રહી, પરંતુ ‘ગુણવત્તાસભર સારવાર’ બની છે.” ડો. પી.કે. શ્રીવાસ્તવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
ગુણવત્તાની અગ્નિપરીક્ષા: 1364 મુદ્દાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ
આ પ્રમાણપત્ર મેળવવું એ કોઈ સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ગુણવત્તાની એક આકરી એરણ છે. NHSRC દ્વારા નક્કી કરાયેલા ધોરણો મુજબ, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) એ 8 મુખ્ય ક્ષેત્રો અને 1364 જેટલા મુદ્દાઓ પર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવી પડે છે. જેમાં:
સેવાઓની પ્રાપ્યતા: ગર્ભવતી મહિલાઓ, નવજાત શિશુઓ અને ગંભીર રોગોની સારવારની સુવિધા.
દર્દીના અધિકાર: દર્દીની પ્રાઈવસી અને સન્માનજનક વર્તન.
ક્લિનિકલ કેર: ડોક્ટરો અને સ્ટાફ દ્વારા અપાતી સારવારના રાષ્ટ્રીય પ્રોટોકોલનું પાલન.
ચેપ નિયંત્રણ: બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને હાઈજીન.
વાર્ષિક લાખોની પ્રોત્સાહક સહાય
NQAS સર્ટિફિકેટ મળવાથી હવે આ 54 સંસ્થાઓને આગામી ત્રણ વર્ષ માટે દર વર્ષે કેન્દ્ર સરકાર તરફથી પ્રાથમિક આરોગ્ય કેંદ્ર કક્ષાએ રૂ.03 લાખ અને આયુષ્માન આરોગ્ય મંદિર – સબ સેન્ટર કક્ષાએ રૂ.2.16 લાખ પ્રોત્સાહક રકમ મળતી રહેશે. જેમાંથી 25 ટકા રકમ આ આરોગ્ય સંસ્થાઓના સ્ટાફને પ્રોત્સાહક ઇનામ રૂપે મળશે. બાકીની 75 % રકમનો ઉપયોગ સેવાઓની ગુણવત્તામાં વધુ વધારો કરવા, અદ્યતન તબીબી સાધનો ખરીદવા અને સ્ટાફની કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવશે.

