મોરબી: શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન જિલ્લા ફૂડ અધિકારી નીરવભાઈ ચૌધરી અને ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી.
મોરબીના નેહરુ ગેટ નાસ્તા ગલી તેમજ સનાળા રોડ ભક્તિનગર સર્કલ વિસ્તારમાં કુલ 16 ખાદ્ય પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 10 ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 8 સર્વેલન્સ સેમ્પલ અને 2 એન્ફોર્સમેન્ટ સેમ્પલ તરીકે લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન વિશ્રાંતિ ગૃહ હોટલમાંથી બટાકાનું શાક, ઢોકળીનું શાક અને સેવટમેટાનું શાક, શિવા પાણીપૂરીમાંથી પાણીપૂરીનું પાણી, વિશ્વાસ નાસ્તાહાઉસમાંથી બટાકાનું શાક, ભેળ અને મિક્સ ભજીયા તેમજ ભક્તિનગર સર્કલ પાસે આવેલી બિગબોસ હોટલમાંથી પંજાબી શાકની ગ્રેવી અને દાળના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જો આ નમૂનાઓ નિર્ધારિત માપદંડો મુજબ યોગ્ય ન ઠરે તો FSSAI Act-2006 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. ડ્રાઇવ દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટમાંથી અંદાજે 7 કિલો ચટણી અને 10 લિટર વપરાયેલ તેલ નાશ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નાસ્તો પીરસવા માટે ઉપયોગમાં લેવાતા અખબારી કાગળનો આશરે 15 કિલો જથ્થો પણ નષ્ટ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં કુલ 30 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી લાયસન્સ અને સ્વચ્છતા સંબંધિત ખામીઓને કારણે 13 પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે. ફૂડ વિભાગે તમામ વેપારીઓને સ્વચ્છતા અને નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

