HomeGujaratમોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ

મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ

મોરબીના આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવા અને વિસરાતા જતાં પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ તેમજ રસાયણમુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે મોરબી મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મોરબીના એલ.ઇ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ વિશેષ પ્રદર્શનને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના હસ્તે અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીએ જણાવ્યું હતું કે, મિલેટ્સ એ માત્ર ખોરાક નથી પણ આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના પુનઃ જાગરણનો આ ઉત્સવ છે. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને લીધે આજે ‘શ્રી અન્ન’ વૈશ્વિક સ્તરે ઓળખ પામ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જીવનમાં સ્વસ્થ રહેવા સાત્વિક આહાર અનિવાર્ય છે. જેમ આપણો ‘ફેમિલી ડોક્ટર’ હોય છે, તેમ શુદ્ધ અને રસાયણમુક્ત આહાર માટે દરેક નાગરિકે એક ‘ફેમિલી ફાર્મર’ રાખવો જોઈએ, જે આપણને સીધો ખેતરેથી શુદ્ધ ખેત ઉત્પાદનો પૂરો પાડી શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ‘મેદસ્વીતા મુક્ત ગુજરાત’ અભિયાનમાં મિલેટ્સનું યોગદાન નિર્ણાયક સાબિત થઈ રહ્યું છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી મહોત્સવ એ કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવાનું મજબૂત પ્લેટફોર્મ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો રાસાયણિક ખેતી મૂકીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. કૃષિ મહોત્સવ જેવા ખેડૂતલક્ષી કાર્યક્રમો થકી નિષ્ણાંતો અને તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપી ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયાએ કર્યું હતું. આભારવિધિ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે.જી. પરસાણીએ કરી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ રાજ્યકક્ષાએ યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ માર્કેટમાં મહિલા સખી મંડળો દ્વારા રાગીના બિસ્કિટ સ્થિતિ મિલેટ્સમાંથી બનતી અનેક સ્વાદિષ્ટ વાનગીઓના લાઈવ ડેમો રજૂ કરાયા છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જીવામૃતના ઉપયોગ, પેકેજિંગ અને સરકારી યોજનાઓ અંગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબીના નગરજનોને આ બે દિવસીય મેળાની મુલાકાત લઈ ‘શ્રી અન્ન’ અને પ્રાકૃતિક ઉત્પાદનોના વપરાશ દ્વારા સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા તથા સ્થાનિક આગેવાનો, ખેડૂતઓ અને મોરબીના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW