ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાના જવાબમાં ઈરાને યુએઈ (UAE) સ્થિત અમેરિકી મથકોને નિશાન બનાવતા દુબઈ અને અબુધાબીમાં ડ્રોન તેમજ મિસાઈલ હુમલા થયા છે. આ સંઘર્ષને કારણે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (DXB) સહિત પ્રદેશના મુખ્ય એરપોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે, જેની સીધી અસર મોરબીના પ્રવાસીઓ અને વ્યવસાયીઓ પર પડી રહી છે.
મોરબીના આશરે 43 લોકો હાલ દુબઈમાં ફસાયેલા છે. આમાં પ્રવાસીઓ તેમજ સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારોનો સમાવેશ થાય છે. તમામ લોકો સુરક્ષિત છે અને તેમના પરિવારજનો સાથે વોટ્સએપ કોલ તેમજ ફોન દ્વારા સતત સંપર્કમાં છે.
તરુણભાઈ લિખિયા 27 જાન્યુઆરીએ વ્યવસાયિક કામ માટે દુબઈ ગયા હતા અને રવિવારે પરત ફરવાના હતા, પરંતુ હવે તેઓ ત્યાં જ રોકાઈ ગયા છે.અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના જીજ્ઞેશભાઈ અઘારા અનુસાર, કુલ 45 લોકોમાંથી 2 ઉદ્યોગકારો રોડ માર્ગે ઓમાન પહોંચીને બેંગ્લોર પરત ફર્યા છે, જ્યારે બાકીના 43 હજુ દુબઈમાં જ છે.
દુબઈ સરકારે ફસાયેલા પ્રવાસીઓ માટે રહેઠાણ અને ભોજનની પૂરતી વ્યવસ્થા કરી છે. પરિવારજનોમાં રાહતનો શ્વાસ છે કારણ કે તમામ સલામત સ્થળે છે. ભારત સરકાર અને સ્થાનિક એજન્સીઓ વહેલી તકે તેમને પરત લાવવા માટે પ્રયાસો તેજ કરી રહી છે.
આ સંઘર્ષને કારણે મધ્ય પૂર્વના મોટા ભાગના એરસ્પેસ બંધ છે, જેના કારણે વિશ્વભરમાં હજારો ફ્લાઈટ્સ રદ થઈ છે અને લાખો પ્રવાસીઓ ફસાયા છે. દુબઈ એરપોર્ટની કામગીરી હજુ સ્થગિત છે અને પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી ફ્લાઈટ્સ ફરી શરૂ થવાની શક્યતા ઓછી છે. પરિવારજનો અને સ્થાનિક લોકો સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે.

