મોરબી રાજકોટ-સ્ટેટ હાઇવે પર ટંકારા શહેર નજીકના ઓવરબ્રિજ પાસે શનિવારે મધરાત્રિ દરમિયાન એસટી બસ અને ટ્રક કન્ટેનર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી અને કન્ટેનર પણ પલટી ગયું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ મુસાફરને કે કન્ટેનરમાં સવાર લોકોને પણ જાનહાનિ પણ થઈ નથી.
મુંદ્રાથી કોડીનાર જતી GJ 18 Z 3339 નંબરની એસટી બસ શનિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ ટંકારાથી રાજકોટ તરફ જઈ રહી હતી. લતિપર ચોકડી નજીક આવેલા ઓવરબ્રિજના રાજકોટ તરફના છેડે, સર્વિસ રોડ પરથી મુખ્ય હાઇવે પર આવતી વખતે પંજાબના ટ્રક કન્ટેનર ચાલક નવલકિશોર સુરજીતકુમારે બસને જોરદાર ટક્કર મારી હતી.
આ ટક્કરના પ્રભાવથી એસટી બસના જમણી બાજુના દરવાજા, બારીઓ અને બોડીને ભારે નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ બસને આશરે ₹50,000થી વધુનું નુકસાન થયું છે. ટક્કરના બળથી ટ્રક કન્ટેનર પણ પલટી ગયું હતું. આ અકસ્માત અંગે એસટી બસના ચાલક ઉત્તમકુમાર રામદેવભાઈ સોલંકી (ઉંમર 47, તાલાલા રહેવાસી)એ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક નવલકિશોર સુરજીતકુમાર સામે ગુનો નોંધી લીધો છે અને આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે ટ્રાફિકને સરળ બનાવવા તાત્કાલિક કાર્યવાહી કરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ અને નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે વધુ તપાસ ચાલુ છે.

