મોરબીના રવાપર ગામે રહેતા એક આસામી પાસેથી ₹17.96 કરોડની ટેક્સ રિકવરી માટે કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના ટેક્સ રિકવરી ઓફિસર દ્વારા રવાપર રેસિડેન્સી ખાતે આવેલા દેવવ્રત એપાર્ટમેન્ટમાં આ આસામીના ફ્લેટને ટાંચમાં લેવામાં આવ્યો છે.
આવકવેરા વિભાગે રવાપર ગામે રવાપર રેસિડેન્સીના દેવવ્રત એપાર્ટમેન્ટ, વિંગ-1, ફ્લેટ નંબર 404માં રહેતા સચિનભાઈ છગનલાલ ભીમાણી પાસેથી ₹17,96,58,940ની ટેક્સ રિકવરી કરવાની છે. આ ટેક્સની રકમ વસૂલ કરવા માટે રાજકોટના ટેક્સ રિકવરી ઓફિસર દ્વારા સચિન છગનલાલ ભીમાણીના ફ્લેટને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એપાર્ટમેન્ટમાં આ અંગેની નોટિસ પણ લગાવવામાં આવી છે. સંબંધિત વિભાગોને પણ આવકવેરા વિભાગ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કેસ આવકવેરા વિભાગમાં વર્ષો પહેલાં ચાલી ગયો હતો. ટેક્સની લેણી રકમ ભરવા માટે આસામીને અગાઉ નિયમ મુજબ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ટેક્સની રકમ ભરવામાં આવી ન હતી. આગામી સમયમાં આ મિલકતની હરરાજી કરીને ટેક્સની રિકવરી કરવામાં આવશે. આ ઉપરાંત, અન્ય બાકીદારો પાસેથી પણ ટેક્સ વસૂલ કરવા માટે આવી જ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.

