HomeGujaratજૂના જન્મ-મરણના દાખલામાં વિલંબ મુદ્દે મુખ્યમંત્રી અને કલેક્ટરને રજૂઆત કરાઈ

જૂના જન્મ-મરણના દાખલામાં વિલંબ મુદ્દે મુખ્યમંત્રી અને કલેક્ટરને રજૂઆત કરાઈ

મોરબી: જૂના જન્મ-મરણના દાખલાઓની મંજૂરી પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબના મુદ્દે મોરબી જિલ્લા પંચાયતના મહિલા, બાળ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ રંજનબેન ગૌતમભાઈ હડીયલ અને પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ કરમશીભાઈ હડીયલે ગુજરાતના મુખ્યમંત્રી તથા મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત પત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, હાલમાં જૂના જન્મ-મરણના દાખલા મેળવવા માટે અરજદારોને પહેલા CRS પોર્ટલ પર અરજી કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડે છે, ત્યારબાદ અરજી જિલ્લા કક્ષાએ મંજૂરી માટે મોકલવામાં આવે છે. જોકે, જિલ્લા કક્ષાએ મોટી સંખ્યામાં અરજીઓ પેન્ડિંગ રહેતાં અરજદારોને લાંબા સમય સુધી દાખલા મળતા નથી. રજૂઆત મુજબ કેટલીક અરજીઓ 45 દિવસથી વધુ સમયથી મંજૂરીની રાહ જોઈ રહી છે, જેના કારણે નાગરિકોને વિવિધ સરકારી અને કાનૂની કામોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે મંજૂરી પ્રક્રિયામાં વિલંબના કારણે શાળા-કોલેજમાં પ્રવેશ, પાસપોર્ટ, આધાર કાર્ડ, પેન્શન, સરકારી યોજનાઓ સહિતના અનેક કામો અટવાઈ રહ્યા છે. અગાઉ તલાટી કમ મંત્રી દ્વારા જરૂરી ચકાસણી બાદ દાખલા જારી કરવામાં આવતા હોવાથી લોકોને સમયસર સેવા મળતી હતી, જ્યારે હાલની કેન્દ્રિત વ્યવસ્થાના કારણે વિલંબ વધી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.

રજૂઆતમાં અગાઉની જેમ તલાટી કમ મંત્રીને જૂના જન્મ-મરણના દાખલાઓ જારી કરવાની સત્તા પુનઃ સોંપવાની, જિલ્લા અને તાલુકા કક્ષાએ મંજૂરી માટે વધારાના અધિકારીઓની નિમણૂક કરવાની, 45 દિવસથી વધુ સમયથી પેન્ડિંગ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવાની તેમજ વિલંબ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને સમયમર્યાદામાં સેવા મળી રહે તે માટે સરળ, ઝડપી અને વિકેન્દ્રિત વ્યવસ્થા અમલમાં મૂકવાની પણ અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW