મોરબી શહેરમાં આવેલ મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર વ્યક્તિઓને નિઃશુલ્ક રહેઠાણ, ભોજન તથા અન્ય જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ આશ્રયગૃહનું સંચાલન મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણૂક કરાયેલ શ્રી સિદ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
મહાનગરપાલિકા કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી. શાખા તેમજ સંસ્થાના કર્મચારીઓ દ્વારા રાત્રી દરમિયાન ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફૂટપાથ તથા ખુલ્લી જગ્યાઓ પર વસવાટ કરતા ઘરવિહોણા લોકોને સ્થળ પર જઈ સમજાવી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને તેમને આશ્રયગૃહમાં આવવા પ્રેરિત કરવામાં આવ્યા.
ઠંડીના કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર કોઈ નકારાત્મક અસર ન પડે તે હેતુસર રાત્રી નાઈટ-ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 16 ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાએ શહેરના વધુમાં વધુ ઘરવિહોણા લોકોને આ આશ્રયગૃહની સુવિધાનો લાભ લેવા અપીલ કરી છે.

