અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચ કચેરીથી 100 મીટરના અંતરે યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ છે. ગત(21 જાન્યુઆરી) મોડી રાતે બે યુવકો વચ્ચે પબજી ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને યુવકની હત્યા કરાઈ છે. ગાયકવાડ હવેલી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. હાલ મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
ગાયકવાડ હવેલીમાં આવેલી ક્રાઈમ બ્રાંચ કે, જ્યા 24 કલાક પોલીસ કર્મચારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની અવરજવર હોય તેની નજીક મોડીરાતે ખુની ખેલખેલાતા ભારે ચકચારમચી ગઈ છે. ઝઘડામાં સમાધાન થયા બાદ પણ માથાભારે શખ્સે તેના સાગરીતો સાથે મળીને ગઈકાલે યુવકને ઉપરાછાપરી છરીઓના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે એક આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે જ્યારે બીજા આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. બે દિવસ પહેલા આરોપી BGMI (બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડીયા) રમી રહ્યો હતો ત્યારે મૃતક યુવક સાથે તેને બોલાચાલી થઈ હતી જેની અદાવત રાખીને આ હત્યા કરાઈ છે.
જમાલપુર પીરભાઈ ધોબીની ચાલીના મકાન નંબર 3માં રહેતા જયેશ બાબુભાઈ ઓડએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા લાલો રાઠોડ અને તેના મિત્રો વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. જયેશ ઓડ સંયુક્ત પરિવારમાં રહે છે અને ગઈકાલે મોડીરાતે તેના ભાઈની ઘાતકી હત્યા થઈ ગઈ છે. જયેશ રાઠોડનો ભાઈ આકાશ ગઈકાલે નોકરીથી ઘરે આવી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો. હુમલો એટલો ખતરનાક હતો કે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું.
આકાશ ઓડના ચાર વર્ષ પહેલા મમતા ઓડ સાથે લગ્ન થયા હતા. આકાશ રતનપોળમાં આવેલી સાડીઓની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. આકાશ સવારે નોકરી જતો અને રાતે નીયત સમયે પરત ઘરે આવતો હતો. મંગળવારના દિવસે આકાશ અને તેના પડોશમાં રહેતા લાલા રાઠોડ સાથે ગાળ બોલવાની બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આકાશ અને લાલાના કોમન મિત્રોએ ભેગા થઈને બન્નેનું સમાધાન કરાવી દીધુ હતું.
લાલાએ આકાશ સાથે નામ પૂરતુ જ સમાધાન કર્યુ હતું અને તે તેનું ઢીમ ઢાળી દેવાની ફિરાકમાં હતો. લાલાએ તેના મિત્રો સાથે મળીને આકાશની રેકી કરી હતી. ગઈકાલે આકાશ નોકરી પરથી આવી રહ્યો હતો ત્યારે લાલાએ તેના સાગરીતો સાથે મળીને હુમલો કરી દીધો હતો. લાલા અને તેના સાગરીતોએ આકાશ પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા જ્યા તેનું ઘટનાસ્થળે મોત થયુ હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ નાસી ગયા હતા, જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ આવી પહોચી હતી. ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને એક આરોપીની અટકાયત કરી લીધી છે જ્યારે બીજા આરોપીઓને શોધવાનો પ્રયાસ ચાલું છે.
જયેશ ઓડે આ મામલે જણાવ્યુ છે કે, લાલો તેમજ તેના સાગરીતો ક્રાઈમ બ્રાંચની કચેરીની પાસે બર્ગમેન લઈને વોચમાં ઉભા હતા. આકાશ તેના બે મિત્રો સાથે નોકરીથી પરત ઘરે આવી રહ્યો હતો. આકાશ બાઈક ઉપર બે મિત્રોની વચ્ચે બેઠો હતો. આકાશ ક્રાઈમ બ્રાંચની કચેરીથી પસાર થયો ત્યારે લાલાએ સાગરીતો સાથે બર્ગમેન ચલાવી હતી. લાલાએ તેનુ બર્ગમેન બાઈક સાથે અથડાવ્યુ હતું. લાલાને જોઈને આકાશ ભાગવા ગયો હતો અને રિક્ષાઓ પાસે પહોચી ગયો હતો. લાલાએ તેના સાગરીતો સાથે મળીને ઉપરાછાપરી આકાશને છરીઓના ઘા ઝીંકી દીધા હતા.
લાલાએ તેના સાગરીત સાથે મળીને એટલા છરીઓના ઘા ઝીંક્યા કે આકાશના પેટના આંતરડા બહાર આવી ગયા હતા. માથાના તેમજ શરીરના અલગ અલગ ભાગમાં છરીઓના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે હાલ લાલો રાઠોડ અને તેના મિત્ર શાહિદખાન પઠાણની ધરપકડ કરી છે જ્યારે બીજા આરોપીઓને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

