HomeGujaratમોરબી જિલ્લા પંચાયતમાં 'વિકાસ' ના નામે જોખમી ખેલ? ભૂકંપ ઝોન-4 ની અવગણના...

મોરબી જિલ્લા પંચાયતમાં ‘વિકાસ’ ના નામે જોખમી ખેલ? ભૂકંપ ઝોન-4 ની અવગણના કરી બાંધકામ મંજૂરીના કડક નિયમો રદ કરવા ભાજપ-કોંગ્રેસ એકમત!

મોરબી: મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે એક એવો નિર્ણય લેવાયો છે જે આગામી સમયમાં જિલ્લાની સુરક્ષા સામે સવાલો ઉભા કરી શકે છે. જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની અધ્યક્ષતા અને DDO એન. એસ. ગઢવીની ઉપસ્થિતિમાં મળેલી સભામાં, ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ મંજૂરી માટેના કડક નિયમોને તિલાંજલિ આપી દેવામાં આવી છે.

નિયમોમાં ‘ઢીલ’ પાછળ કોનું હિત?
પૂર્વ DDO જે. એસ. પ્રજાપતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં થતા બાંધકામોમાં શિસ્ત અને ગુણવત્તા જળવાય તે હેતુથી એક પરિપત્ર અમલમાં મૂકવામાં આવ્યો હતો. જે મુજબ, કોઈપણ બાંધકામની મંજૂરી આપતા પહેલા તાલુકા પંચાયતના S.O. (સેક્શન ઓફિસર) પાસે પ્લાન અને એસ્ટિમેટ મંજૂર કરાવવા ફરજિયાત હતા. આ નિયમનો હેતુ એ હતો કે ટેકનિકલ ચકાસણી વગર ગમે તેમ બાંધકામો ન થાય.

પરંતુ, આજની સભામાં આશ્ચર્યજનક રીતે ભાજપ અને કોંગ્રેસના સદસ્યોએ એકસૂરે આ કડક પરિપત્રને રદ કરવાનો ઠરાવ પસાર કર્યો છે. રાજકીય પક્ષો ભલે તેને વહીવટી સરળીકરણ ગણાવતા હોય, પણ અંદરખાને આ મોટા પાયે થનારા બાંધકામોને ‘છૂટો દોર’ આપવાની રણનીતિ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ભૂકંપ ઝોન-4 અને મોરબીનો કડવો ભૂતકાળ
મોરબી જિલ્લો ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ‘ભૂકંપ ઝોન-4’ માં આવે છે. ૨૦૦૧ના ભૂકંપમાં મોરબીએ જે તારાજી જોઈ છે તે હજુ ભૂલાઈ નથી. આવા સંજોગોમાં:

જો એન્જિનિયરિંગ પ્લાન અને ટેકનિકલ એસ્ટિમેટ વગર બાંધકામોને મંજૂરી અપાશે, તો શું આ ઈમારતો સુરક્ષિત હશે?

શું માત્ર રાજકીય સંતોષ ખાતર પ્રજાના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે?

S.O. ની ચકાસણી વગર થતા બાંધકામોમાં ગુણવત્તાના ધોરણો જળવાશે કે કેમ?

સર્વસંમતિ કે ‘સેટિંગ’?
સામાન્ય રીતે લોકહિતના મુદ્દે સામસામે આવતા ભાજપ અને કોંગ્રેસના સદસ્યો જ્યારે બાંધકામ મંજૂરીના નિયમો હટાવવા માટે એક થઈ જાય, ત્યારે અનેક તર્ક-વિતર્ક સર્જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં હવે પ્લાન-એસ્ટિમેટ વગરના મનસ્વી બાંધકામોનો રાફડો ફાટશે તેવી દહેશત સેવાઈ રહી છે.

વહીવટી પ્રક્રિયા સરળ બનાવવી સારી બાબત છે, પરંતુ સુરક્ષાના ભોગે લેવાયેલો આ નિર્ણય મોરબી માટે આશીર્વાદ બનશે કે અભિશાપ, તે તો આવનારો સમય જ કહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW