મોરબી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે વાંકાનેર ટાઉનહોલના પાર્કિંગ વિસ્તારમાં કાર્યવાહી કરી 7.183 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા છે. પોલીસે અંદાજે રૂ. 10.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
SOG ટીમને મળેલી ચોક્કસ માહિતી મુજબ વાંકાનેર ટાઉનહોલ નજીક પાર્કિંગમાં ઊભેલી GJ-04-DN-3804 નંબરની આર્ટિકા કારમાં નશીલા પદાર્થનો જથ્થો હોવાની શંકા હતી. આ આધારે ટીમે તરત જ સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન તપાસ કરતાં કારમાંથી 3.183 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો, જેની કિંમત રૂ. 3,59,150 જેટલી આંકવામાં આવી છે. આ દરમિયાન કારમાં હાજર લલિતભાઈ ઉર્ફે લક્કી હેમંતભાઈ ધામેચા તેમજ વિજયભાઈ સાગરભાઈ સારલા નામના બે શખ્સોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે ગાંજાની સાથે સાથે રૂ. 7 લાખની કિંમતની આર્ટિકા કાર, રૂ. 10,000 મૂલ્યના બે મોબાઇલ ફોન તથા રૂ. 3,500 રોકડા જપ્ત કર્યા છે. આ રીતે કુલ રૂ. 10,72,650 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ મામલે બંને આરોપીઓ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

