સુરતના યુવાનો શિરડી(મહારાષ્ટ્ર) દર્શન કરીને પરત વતન ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો. જેમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યાં જ્યારે એકનું સારવારમાં લઈ જતી વખતે રસ્તામાં મૃત્યું થયું હતું. ચાર યુવકોને ઈજા થતાં સારવારમાં નાસિકની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ફોર્ચ્યુનર પલટી હતી. સુરત સ્કૂલ બસ કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે જોડાયેલા વિક્રમ ઓસ્વાલ અને તેની ટીમનો અકસ્માત થયા હોવાની વિગતો મળી છે.
સુરતના ભક્તો જે સાંઈ બાબાના દર્શન કરવા ગયાં હતાં, જ્યારે તેઓ સુરત પરત ફરી રહ્યા હતાં, ત્યારે નાસિક નજીક એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતાં અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયાં. શિરડીથી પરત ફરી રહેલા ભક્તોને લઈ જતી કાર નાસિક જિલ્લાના યેવલા તાલુકાના એરંડગાંવ રાયતે શિવર વિસ્તારમાં ગાડી પલટી ગઈ હતી. બાકીના ચાર ઘાયલોની નાસિકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમાંથી બેની હાલત ગંભીર છે.
પ્રાથમિક માહિતી અનુસાર, સુરતના સાત લોકો સાંઈ બાબાના દર્શન કરવા માટે શિરડી ગયાં હતા. દર્શન કર્યા પછી તેઓ નાસિક થઈને સુરત પરત ફરી રહ્યા હતાં, ત્યારે ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે તે રસ્તાની બાજુમાં ગાડી પલટી ગઈ હતી. બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જ્યારે પાંચ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે તુટી ગયો હતો. સ્થાનિકોએ ખૂબ જ મુશ્કેલીથી બધાને બચાવ્યા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નાસિક ખસેડ્યા હતાં.
આ દરમિયાન ઘાયલોમાંથી એકનું નાસિક સારવાર માટે જતા રસ્તામાં મૃત્યુ થયું, જેના કારણે મૃત્યુઆંક ત્રણ થયો. ડોક્ટરોએ જણાવ્યું કે તેમાંથી બેની હાલત ગંભીર છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માતગ્રસ્ત વાહનને રસ્તાની બાજુમાં ખેંચી લીધું. ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે, અને ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.
અકસ્માતની તપાસ કરતા પોલીસે જણાવ્યું કે, વાહન ખૂબ જ ઝડપે ચાલી રહ્યું હતું, તેથી નિયંત્રણ ગુમાવવાની શક્યતા નકારી શકાય નહીં. તેમણે અકસ્માત સ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મંગાવીને તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે વાહનની ટેકનિકલ તપાસ પણ કરવામાં આવશે.
આ અકસ્માતમાં જે યુવાનોનો ભોગ લેવાયો છે, તેમની ઓળખ સામે આવી છે. આ યુવાનો સ્કૂલ બસ કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે જોડાયેલા હતાં. મૃતક અને ઘાયલ યુવકોમાં વિક્રમ ઓસ્વાલ અને તેમની ટીમનો સમાવેશ થાય છે. વિક્રમ ઓસ્વાલ પોતે પણ આ વ્યવસાયમાં જોડાયેલાં હતા.
સ્કૂલ બસ કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે જોડાયેલા યુવાનોના અકસ્માત થતાં પરિવાર અને યુવા વર્તુળમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મિત્રો અને સંબંધીઓ આ સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડ્યા છે. પોલીસે અકસ્માતની નોંધ લઇને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

