રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા “ડાયલ ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ”તેમજ ગુજરાત પોલીસના નવ નિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો આજે શુભારંભ- લોકાર્પણ કર્યું હતું.
જેમાં ડાયલ ૧૧૨ જનરક્ષક’ પ્રોજેકટ અંતર્ગત અદ્યતન કોલ સેન્ટર અને ૫૦૦ જન રક્ષક વાનનું પ્રસ્થાન તેમજ પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ નવીન ૫૩૪ જેટલી બોલેરો વાનનું લોકસેવા માટે પ્રસ્થાન- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રતિકાત્મક રૂપે મહાનુભાવોના હસ્તે પોલીસ વિભાગના ચાલકોને વાહનોની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
અમિત શાહે “જનરક્ષક – ૧૧૨”નું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: માત્ર-૧૧૨ એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પ લાઈન બધા માટે તત્કાલ મદદ મળશે.સોફેસ્ટીકેટેડ સોફ્ટવેર સંચાલિત જીપીએસસી આ વાહનો દ્વારા ગુજરાત સરકારે ‘ન્યુ એજ સ્માર્ટ પુલીસિંગ’ની દિશામાં મહત્વના કદમ ઉઠાવ્યા છે. “જનરક્ષક – ૧૧૨”નું આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ અમદાવાદમાં ૧૫૦ કર્મચારીઓ ૨૪x૭ સેવા આપશે અને રાજ્યના નાગરિકોને સેવા પૂરી પાડશે.

