ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલી ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ ચારમાં ત્રણ વ્યક્તિ ગુજરાતની અને એક વ્યક્તિ ગુજરાત બહારની હોવાનું સામે આવ્યું છે. અલકાયદાના આતંકવાદી મોડલ સાથે આ ચારેય લોકો કનેક્ટેડ હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચારેય વ્યક્તિને હાલ ગુજરાતની ATS ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ કરી રહી છે.
ચારેય શખસ ગુજરાતની હિલચાલ વિશે ચર્ચા કરતા હતા. ગુજરાત ATSના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ચારેય છેલ્લા ઘણા સમયથી અલકાયદાના મોડલથી કનેક્ટ હતા. તેઓ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલકાયદાના સંપર્કમાં આવ્યા હતા. તેઓ કેટલાંક ગ્રુપમાં પણ સક્રિય હતા. તેઓ આતંકવાદી વિચારધારાની આપ-લેની સાથે કટ્ટર માનસિકતા ધરાવતા હતા. સમગ્ર બાબતે ATSની સર્વેલન્સ ટીમે સ્કેન કરતા એમાં ચાર વ્યક્તિ સતત સક્રિય હતી અને ગુજરાતની હિલચાલ વિશે પણ ચર્ચા કરતી હતી. એ સંદર્ભે હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ચારમાંથી ત્રણ વ્યક્તિ ગુજરાતમાંથી પકડાઈ છે, જ્યારે અન્ય એક બીજા રાજ્યમાંથી ઝડપાઈ હોવાનું ગુજરાત ATSના અધિકારીઓ જણાવી રહ્યા છે.
કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ અને કેટલીક ચેટ્સ પણ ગુજરાત ATSને મળી. બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ અને કેટલીક ચેટ્સ પણ ગુજરાત ATSને મળી છે અને એ દિશામાં પણ હવે નવી તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ઓટો ડિલિટ થઈ જતી એપ્લિકેશન પણ આ લોકો ઉપયોગ કરતા હોવાનું હાલ ગુજરાત ATS પાસેથી જાણવા મળી રહ્યું છે.
ઝડપાયેલા ચાર આરોપી:-
મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન (રહે. ફરાસખાના, દિલ્હી)
મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ (રહે. ફતેહવાડી, અમદાવાદ)
સેફુલ્લા કુરેશી મહમદ રફીક (રહે. ભોઇવાડા, મોડાસા)
ઝીશાન અલી આસિફ અલી (રહે. સેક્ટર 63, નોઈડા)

