અમદાવાદના રાણીપમાં ગત મોડી રાત્રે માધવપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો હતો. બકરામંડી પાસે નશાની હાલતમાં પાંચથી વધુ વાહનને અડફેટે લીધાં હતાં, જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલમાં દાખલ કરાયા હતા, જેમાંથી એક ગંભીર છે. વેગનઆરના ચાલકે વાહનોને અડફેટે લીધા બાદ કાર દીવાલમાં ઘૂસાડી દીધી હતી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
નંબર પ્લેટ વગરની ગાડીથી નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાથી કોન્સ્ટેબલ યુવરાજસિંહને સ્થાનિક લોકોએ નીચે ઉતારી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે યુવરાજસિંહ પોતે પોલીસકર્મી હોવાથી લોકોને જોઈ લઈશ તેવી ધમકી આપતો હતો. જે બાદ આરોપી ગાડી મુકી સ્થળ પરથી નાસી ગયો હતો.અમદાવાદના રાણીપમાં બકરામંડી પાસે ગત મોડી રાત્રે પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હતો. પાંચથી વધુ વાહનોને અડફેટે લીઘા બાદ પોલીસકર્મી સ્થળ પરથી નાસી ગયો હતો. પૂરપાટ ઝડપે ગાડીથી વાહનોને ટક્કર મારી હતી જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત હતા. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. L-ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.
અકસ્માતમાં સંજય અસારી (37 વર્ષ) ગંભીર ઇજા, કાનજી પરમાર(60 વર્ષ) માથાને પગના ભાગે ઈજા અને મુમતાઝ શેખ(50 વર્ષ) સામાન્ય ઈજા પહોંચી હતી. શનિવારની મોડી રાત્રે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો યુવરાજસિંહ જોરાવરસિંહ નામનો પોલીસકર્મચારી સેન્ટ્રલ જેલ તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈને આવી રહ્યો હતો. રાણીપ પાસે આવતા તેણે વાહનોને અડફેટે લીધા હતા. જેના કારણે એક બાઈકચાલક અને મહિલાને ઇજા પહોંચી છે. અકસ્માત થતાં પોલીસકર્મચારી ગાડી મૂકીને ત્યાંથી નાસી ગયો હતો.
અકસ્માત થતાં આસપાસના લોકો ભેગા થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગાડી નંબરના આધારે તપાસ શરૂ કરી છે. અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા રાણીપ પોલીસ લાઈનમાં રહે છે અને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આરોપીના પિતા માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

