રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારને આપવામાં આવતા ઘઉં અને ચોખાનો જથ્થા બારોબાર સગેવગે થતો હોવાની મોરબી તાલુકા મામલતદારની ટીમને બાતમી મળી હતી, જેના આધારે તાલુકા મામલતદાર અને તેની ટીમે મોરબી તાલુકાના ખાનપર ગામમાં પહોંચી હતી અને ખાનપર ગામના બસ સ્ટેશન પાસે રહેતા ઇમ્તિયાઝ ગુલ મામદ ગોધવિયાના ઘરમાં ત્રાટકી હતી. જ્યાં તપાસ કરતા તેના ઘરમાંથી 3071 કિલો ઘઉં અને 270 કિલો ફોર્ટિફાઇડ ચોખા મળી રૂ.1,86,617 નો જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થા બાબતે માલિક ઇમ્તિયાઝ ને જરૂરી પુરાવા માગતા તેના પુરાવા ન હોવાનું જણાવતા મામલતદાર અને તેની ટીમ દ્વારા 1.86 લાખના ઘઉં ચોખાનો જથ્થો 2 લાખની કિંમતની રિક્ષા તેમજ એક બાઇક મળી કુલ રૂ. 4,36,617 નો મુદામાલ જપ્ત કર્યો હતો અને તેના સેમ્પલ લઈ આ મુદામાલ તપાસ અર્થે મોકલાયો હતો. તેમજ આટલો મોટો અનાજનો જથ્થો કોની પાસેથી મેળવ્યો અને કોઈને વેચાણ કરવાનો હતો કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી.

