બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના બની હતી, જેમાં 21 નિર્દોષ મજૂરના ભોગ લેવાયા બાદ ફરી ચકાસણીની કામગીર શરૂ થવા લાગી છે. મોરબી જિલ્લામાં પણ તમામ કાયમી લાયસન્સ ધારકોને ત્યાં અને ગોડાઉનમાં ચકાસણી કરવાના આદેશ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠાના ડીસામા બે દિવસ પહેલા થયેલી ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના બાદ રાજ્યભરમા આ ઘટનાની નોંધ લેવાઈ રહી છે. સરકાર તરફથી તમામ જિલ્લાઓમાં ફટાકડાના કાયમી લાયસન્સ ધારકોની ચકાસણી કરવા અને ત્યાં રહેલ સુરક્ષા બાબતોની નોંધ લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવતા મોરબી જિલ્લા કલેકટર દ્વારા મોરબી ટંકારા પ્રાંત અધિકારી હળવદ માળીયા ઉપરાંત અધિકારી અને વાંકાનેરના પ્રાંત અધિકારીને લેખિત સુચના આપી તેમના હદ વિસ્તારમાં આવેલા તમામ ફટાકડાના કાયમી લાયસન્સ ધારકોના ત્યાં ચેકિંગ કરવા અને જરૂરી તમામ જગ્યાએ આવેલા ગોડાઉનમાં રાખેલા ફટાકડાના સ્ટોકની તેમજ એની આસપાસના સુરક્ષા બાબતોની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. મોરબી અને ટંકારા તાલુકામાં કુલ 39 થી વધુ ફટાકડાના કાયમી લાયસન્સ ધારકો આ ઉપરાંત વાંકાનેરમાં બે હળવદમાં 12 લાયસન્સ ધારકો હોવાનું સામે આવ્યું છે અને આગામી દિવસોમાં આ તમામ ફટાકડાના લાયસન્સ ધારકો તેમજ ગોડાઉન સંચાલકોને ત્યાં ચકાસણી કરવામાં આવશે. આ તમામ સ્થળો ચેકીંગ કામગીરી થયા બાદ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને જિલ્લા કલેક્ટરને સુપરત કરશે અને આ રિપોર્ટ બાદ જરૂરી પગલાં લેવામાં આવી શકે છે.

