વડોદરા શહેર સહિત રાજ્યભરમાં નશાકારક સીરપ કે ટેબ્લેટનું વેચાણ થતું હોય છે તેની સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે, પરંતુ વડોદરામાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે એવા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો કે, જેમાં મેડિકલ લાઇસન્સની આડમાં વિવિધ ટેબ્લેટ્સ અને કોડીન ફોસ્ફેટ સીરપનો જથ્થો મોટા પ્રમાણમાં સીઝ કરવામાં આવ્યો છે. આ તપાસમાં સામે આવ્યું કે, આ સીરપ અને ટેબ્લેટનો ઉપયોગ રાજ્યમાં આતંક મચાવનાર ગેંગના સભ્યો, મોટા ગુનેગારો અને યુવાધન મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે.
કોડીન ફોસ્ફેટ કફ સીરપ મોટા ભાગે યુવાધન પોતાના શોખ અને નશા માટે ઉપયોગ કરે છે. જેથી કોઈપણ પ્રકારની પરિવાર કે અન્ય વ્યક્તિને જાણ ન થાય કે તેણે નશો કર્યો છે. આ સાથે આ તપાસમાં સામે આવ્યું કે, આલ્ફ્રાઝોલમ અને ટ્રામાડોલ ટેબ્લેટની ઉપયોગ પણ નશા માટે કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ટ્રામાડોલ ટેબ્લેટ દુખાવા માટે હોય છે અને કાયદાના સંઘર્ષમાં આવતા પહેલા કે કોઈ મોટા ગુનાને અંજામ આપતા પહેલા તેઓ આનું સેવન કરતા હોય છે. આ કારણે તેઓ ઘર્ષણમાં આવે કે પછી પોલીસ રિમાન્ડ મેળવે તો તેની અસર ઓછી થાય તે માટે આ પ્રકારની ટેબ્લેટનું સેવન કરે છે.
આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. ડી. રાતડાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર એસોજીને એક બાતમી હતી કે વિપુલ પ્રજાપતિ અને કેવલ રાજપૂત નામના બે વ્યક્તિ મેડિકલ લાઇસન્સની આડમાં ગેરકાયદેસર નશાકારક દવાઓનો વેપાર કરી રહ્યા છે, જે આધારે રેડ કરી હતી. શરૂઆતના તબક્કે કોડિન સીરપની બોટલ સીઝ કરવામાં આવી હતી. કોડીન ફોસ્ફેટ સીરપની કુલ 7,355 બોટલ જેની કિંમત રૂ. 16,75,350 છે. ટ્રામાડોલ કેપ્સ્યુલ કુલ નંગ 1,59,120 જેની કિંમત રૂ. 15,57,270 અને આલ્ફ્રાઝોલમ ટેબ્લેટ કુલ 3,69,000 જેની કિંમત રૂ.15,42,420 મળી કુલ રૂ. 49,85,940 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.