અમેરિકાના વર્જિનિયા રાજ્યના એકોમેક કાઉન્ટીમાં મહેસાણાના કનોડા ગામના મૂળ વતની પટેલ પરિવારના બે સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક પિતા-પુત્રીની ઓળખ 56 વર્ષીય પ્રદીપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી તરીકે થઈ છે. બંને તેમની દુકાનમાં હતા, ત્યારે એક અશ્વેત શખ્સે દુકાનમાં પ્રવેશ કરી બંને પર ગોળીબાર કરતાં પિતાનું ઘટનાસ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યા કરનાર અશ્વેત શખ્સની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી ફેલાવી છે. પોલીસે હત્યાના કારણો અંગે તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને જલ્દી જ હત્યાનું કારણ સામે આવશે.

હત્યા કરનાર આરોપી જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન હાલમાં જેલમાં કેદ છે. હજુપણ હત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી. બીજી તરફ સ્ટોરના માલિક પટેશ પટેલે જણાવ્યું કે, પિતા-પુત્રી બંને અમારા પરિવારના સદસ્યો હતા. મારા પિતરાઈ ભાઈની પત્ની અને તેના પિતા સવારે સ્ટોર પર કામ કરી રહ્યા હતા. ત્યારે એક શખ્સ સ્ટોર પર ઘુસ્યો હતો અને અચાનક જ ગોળીબાર કર્યો હતો.