વાંકાનેર તાલુકાના અમરસર ગામમાં જૂના મનદુઃખને લઈને થયેલી મારામારીની ઘટનામાં બે વ્યક્તિઓ સામે વાંકાનેર સિટી પોલીસમાં ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ, અમરસર ગામના રહેવાસી રંજનબેન જક્શીભાઈ જખાણીયા (ઉ.વ. 40) પોતાના પુત્ર સાથે ભોજન લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ગામના રૂખડભાઈ મગનભાઈ માણસુરીયા અને તેજલબેન રૂખડભાઈ માણસુરીયાએ તેમને રસ્તામાં રોક્યા હતા.
આરોપીઓએ પોતાની પત્ની સાથે થયેલા ઝઘડાનો મુદ્દો ઉઠાવી રંજનબેન સાથે બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ ગાળાગાળી કરતાં રંજનબેને વિરોધ નોંધાવતા રૂખડભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને હાથમાં રહેલા લોખંડના પાઇપથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બચાવમાં હાથ આડો ધરતાં રંજનબેનના જમણા હાથમાં સામાન્ય ઇજા પહોંચી હતી. ઉપરાંત તેજલબેને પણ ઢીકાપાટુનો માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દરમિયાન રંજનબેનના પતિ જક્શીભાઈ સ્થળ પર પહોંચતા રૂખડભાઈએ તેમના માથાના ભાગે લોખંડના પાઇપનો ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી. સાથે જ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

