મોરબી જિલ્લામાં ગ્રામીણ ધિરાણ આયોજન માટેનો રોડમેપ અને વર્ષ 2025-26 માટે સંભવિત લિંક્ડ ક્રેડિટ પ્લાન (PLP)નું જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. નાબાર્ડના સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ વ્યવસ્થાપક સંજય વૈદ્ય દ્વારા તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટમાં નાણાંકીય વર્ષ 2025-26 માટે પ્રાથમિક ક્ષેત્રમાં રૂ. 16854.21 કરોડની ક્રેડિટ ક્ષમતાનો અંદાજ રજૂ કરાયો છે.
મોરબી જિલ્લામાં કૃષિ ધિરાણ માટે રૂ. 2786.45 કરોડ, કૃષિ માળખાગત સુવિધાઓ માટે રૂ. 120.24 કરોડ અને કૃષિ સહાયક પ્રવૃત્તિઓ માટે રૂ. 669.19 કરોડનો સમાવેશ થાય છે. તેમજ PLP MSME માટે રૂ. 12800.02 કરોડ, આવાસ માટે રૂ. 381.60 કરોડ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જિલ્લાના સર્વગ્રાહી વિકાસને પ્રાથમિકતા આપવાની સાથે ગ્રામીણ સમૃદ્ધિ વધારવાનો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1989-90માં નાબાર્ડ દ્વારા સૌપ્રથમ વખત આ પ્રકારનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. PLP એ કૃષિ, MSME અને ગ્રામીણ માળખા જેવા પ્રાથમિક ક્ષેત્રોમાં ક્રેડિટ લિંક્ડ રોકાણ માટેનું મુખ્ય સાધન છે. બદલાતા સમયની સાથે આબોહવા સંલગ્ન કૃષિ, નવીનીકરણીય ઉર્જા અને ટકાઉ વિકાસના લક્ષ્યોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તકે નાબાર્ડના ડી.ડી.એમ. સંજય વૈદ્ય, એલ.ડી.એમ. કે.બિસ્વાલ, વિવિધ બેંકર્સ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.