Monday, February 17, 2025
HomeGujaratCM ભુપેન્દ્ર પટેલે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવર બ્રિજને ફોર-લેન સહિતના કામો...

CM ભુપેન્દ્ર પટેલે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવર બ્રિજને ફોર-લેન સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત 440 કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેય સાથે રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ સહિતના કામોથી નાગરિકોનું ઈઝ ઓફ લિવિંગ વધારવા માટે પ્રાથમિકતા આપી છે. તેમાં અમદાવાદ રેલવે સ્ટેશનના કાયાકલ્પ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષો જૂના કાલુપુર-સાળંગપુર રેલવે ઓવરબ્રિજના ફોર-લેન સહિતના નવીનીકરણના કામો માટે રાજ્ય સરકારના ફાળા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણા ફાળાવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2010માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રેલવે ઓવરબ્રિજ પહોળા કરવા આ રકમ મંજૂર કરી છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર કાલુપુર રેલ્વે ઓવર બ્રિજનું નિર્માણ 108 વર્ષ પહેલા 1915માં તથા સાળંગપુર રેલ્વે ઓવરબ્રિજનું 83 વર્ષ અગાઉ 1940માં નિર્માણ થયું હતું. હાલમાં આ કાલુપુર રેલ્વે ઓવર બ્રિજ (મનુ ભાઇ પરમાર બ્રિજ) બન્ને તરફ ફુટપાથ સાથે થ્રી-લેન અને સાળંગપુર રેલ્વે ઓવરબ્રિજ ટુ-લેન પહોળાઈ ધરાવે છે. આ પુલોના લાઈફ સ્પાન અને સલામતી તેમજ વધતા જતા ટ્રાફિકના ભારણને ધ્યાને રાખીને બંને પુલ તોડીને નવેસરથી ફોર-લેન કરવાનું રિકન્સ્ટ્રક્શન રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત, રાધનપુર શહેર તથા ભિલોટ માર્ગ પર હયાત રેલવે ક્રોસિંગ LC-100-2E પર નવો ઓવરબ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રીએ 52.83 કરોડ રૂપિયા ફાળવ્યા છે. રાધનપુર-ભિલોટ-સુઈગામને જોડતા આ માર્ગ પર મંજૂર ઓવરબ્રિજ બનવાથી નાગરિકોને માલપરિવહન અને મુસાફરી સરળ બનશે.

આ ત્રણેય બ્રિજની કામગીરી માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નાણાંકીય સહાય આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. તદઅનુસાર, કાલુપુર રેલવે ઓવર બ્રિજ(મનુ ભાઇ પરમાર બ્રિજ) માટે 106.67 કરોડ, સારંગપુર રેલ્વે ઓવર બ્રિજ માટે 113.25 કરોડ અને રાધનપુર બ્રિજ માટે 52.83 કરોડ મળી કુલ 272.75 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.મુખ્યમંત્રીના આ નિર્ણયથી આ બંને શહેરોમાં કનેક્ટિવિટી સુગમ બનશે, ટ્રાફિકનું ભારણ ઘટશે અને નાગરિકોના સમય શક્તિ અને ઇંધણની બચત થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW