રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને સોંપવામાં આવતી શિક્ષણ સિવાયની (બિન-શૈક્ષણિક) કામગીરીને લઈને શિક્ષક આલમમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. વર્ષ દરમિયાન સતત ઓનલાઇન કામગીરી અને હવે વેકેશનના સમયે પણ સોંપાતી કામગીરીને કારણે શિક્ષકોનું મુખ્ય કાર્ય ‘શિક્ષણ’ ક્યાંક વિસરાઈ રહ્યું હોય તેવું જણાય છે. શિક્ષકોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ, કર્મયોગી પોર્ટલ પર ઓનલાઇન તાલીમ લેવાથી લઈને વિદ્યાર્થીઓના ત્રિમાસિક, પ્રથમ સત્ર અને વાર્ષિક પરીક્ષાના ગુણની ‘પ્રશ્નવાઈઝ’ એન્ટ્રી કરવી પડે છે. એક જ વિદ્યાર્થીની 29 જેટલી કોલમ અપલોડ કરવાની જટિલ પ્રક્રિયામાં શિક્ષકોનો ઘણો સમય વેડફાય છે. શૈક્ષણિક વર્ષ પૂર્ણ થઈ ગયું હોવા છતાં, હજુ પણ સ્વ-અધ્યયન પોથીઓ માટે ક્લસ્ટર કક્ષાએ દોડધામ કરવી પડી રહી છે.
શિક્ષણ વિભાગ દ્વારા હવે વિદ્યાર્થીઓને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં આપવાનું ફરમાન થયું છે. જોકે, વાસ્તવિકતા એ છે કે જૂના વયપત્રક રજીસ્ટરમાં તમામ માહિતી માત્ર ગુજરાતીમાં છે અને નવી એલ.સી. બુક હજુ ફાળવવામાં આવી નથી. પરિપત્ર મુજબ, હવે માતાનું નામ, વતન, બેંક વિગત, યુઆઈડી (UID) અને અપાર આઈડી (APAAR ID) જેવી વિગતો બંને ભાષામાં તૈયાર કરવી શિક્ષકો માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહી છે. એક તરફ શિક્ષકોને પ્રથમ સત્રમાં મતદારયાદી સુધારણા અને બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેવી કામગીરીમાં જોતરવામાં આવ્યા છે. છતાં પણ, કેટલાક જિલ્લાના ડીપીઈઓ (DPEO) દ્વારા આચાર્યો પાસેથી એવા પ્રમાણપત્રો માંગવામાં આવી રહ્યા છે કે ધોરણ 1 થી 5 માં 800 કલાક અને ધોરણ 6 થી 8 માં 1000 કલાકનું શિક્ષણ કાર્ય પૂર્ણ થયું છે. શિક્ષકો પ્રશ્ન કરી રહ્યા છે કે જો આટલો સમય બિન-શૈક્ષણિક કામગીરીમાં જાય, તો આટલા કલાકનું શિક્ષણ કાર્ય કેવી રીતે શક્ય બને? શિક્ષકોનું કહેવું છે કે, દિવાળી વેકેશન મતદારયાદી સુધારણામાં ગયું અને હવે ઉનાળુ વેકેશનમાં પણ વસ્તી ગણતરી (Census) જેવી કામગીરીની શક્યતાઓને પગલે શિક્ષકો પોતાનો સામાજિક કે અંગત સમય ફાળવી શકશે નહીં. બીએલઓ (BLO) તરીકે બે મહિના ઘરે-ઘરે ફર્યા બાદ પણ ફરી તેમને ચૂંટણીમાં પ્રિસાઈડિંગ ઓફિસર તરીકેના હુકમો આપી દેવાતા શિક્ષકોની હાલત ‘સૂડી અને સોપારી’ જેવી થઈ છે.
શિક્ષક સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જો ગુણવત્તાયુક્ત શિક્ષણ જોઈતું હોય, તો શિક્ષકોને ડેટા એન્ટ્રી અને ચૂંટણીલક્ષી કાર્યોમાંથી મુક્તિ આપી માત્ર શિક્ષણ કાર્યમાં જ રહેવા દેવા જોઈએ.

