બોટાદના વેપારીએ માળિયાના ખેડૂતને બોગસ બિયારણ પધરાવીને આશરે 87 લાખ છેતરપિંડી કરી હોવાની પોલીસને અરજી કરવામાં આવી,
માળીયા-મીયાણા તાલુકામાં આવેલા નવા ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા નવીનભાઈ ચતુરભાઈ ઘુમલીયા જે બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા હતા. જોકે બાંધકામ ધંધો બરાબર ન ચાલતા તેઓએ પંકજભાઈ રામજીભાઈ સાદરિયા અને રવજીભાઈ ધરમશિભાઈ ઘુમલિયા સાથે મળી ગત ચોમાસા દરમિયાન માળિયાના અલગ-અલગ ગામના ખેડૂતોની અંદાજિત 300 વીઘા જમીન વાવેતર માટે વિઘોટી રાખી હતી.
તેના માટે બોટાદ જિલ્લાના કુંડલી ગામના અમરાભાઇ રબારી પાસેથી બિયારણ લીધું હતું. અમરાભાઇએ જે તે વખતે તેમને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે, 300 વીઘા જમીનમાં વિભાજિત 15 મણ જેટલો એટલે કે કુલ 4500 મણ જેટલો કપાસ થશે. પરંતુ જ્યારે વાવેતર કર્યા બાદ પાક લેવાનો સમય આવ્યો ત્યારે માત્ર 250 મણ જેટલો જ ઉત્પાદન થતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગ્યું હતું. ચતુરભાઈએ જે તે વખતે વાવેતર તેમજ ખેતીને લગતા અલગ-અલગ ખર્ચ સહી કુલ આશરે 84 લાખ રૂપિયાનું ખર્ચ કર્યો હતો. જેની સામે તેમને પૂરતું વળતર ન મળતા તેઓએ અમરાભાઇ દ્વારા છેતરપિંડી કરી હોવાની માળિયા મીયાણા પોલીસમાં લેખિત અરજી આપી છે. આ અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.