માળીયા મીયાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અણિયારી ટોલનાકા નજીક ધૈર્ય હોટલ ખાતે બનેલી પટેલ યુવકની હત્યાના બનાવમાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓને મોરબી એલ.સી.બી. અને માળીયા (મીયાણા) પોલીસની સંયુક્ત કામગીરી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર અનિલ હરિલાલ કંડિયા પોતાના મિત્ર વિવેક વેલજીભાઈ અઘારા સાથે અણિયારી ટોલનાકા પાસે આવેલી ધૈર્ય હોટલ પર નાસ્તો કરવા ગયા હતા. તે દરમિયાન અચાનક કેટલાક અજાણ્યા વ્યક્તિઓ ત્યાં ધસી આવ્યા હતા અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં અનિલ કંડિયાને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી.
આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને આરોપીઓને ઝડપી પાડવા મોરબી એલ.સી.બી. તેમજ માળીયા (મી) પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે પોલીસે હત્યાકાંડનો ભેદ ઉકેલી તમામ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પકડાયેલા આરોપીઓમાં મોહન ઉર્ફે શિવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા, રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી (મૂળ કેશોદ, હાલ મોરબી), પુથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા, ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ, કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ તથા હીરાભાઈ રવજીભાઈ ઉલવા (તમામ રહે. મોરબી)નો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

