મોરબી શહેરના એસપી રોડ પર આવેલા સંજય પાર્કમાં આવેલ ગ્રીન સિટીમાં સ્થાનિકો દ્વારા અયોધ્યા રામ મંદિર સમયે તેની સોસાયટીમાં હનુમાનજી મંદિર ની સ્થાપના કરી હતી. જોકે આ મંદિર સોસાયટીની હદમાં ન હોવાની ફરિયાદ સામે આવી હતી. જે બાદ પાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને મંદિર જ્યાં બનેવલ છે, તે રોડ પર બનાવેલ હોય જેથી તોડી પાડવા સૂચના આપવામાં આવી હતી. જોકે સ્થાનિકો દ્વારા મંદિરનું બાંધકામ દૂર કરવામાં ન આવતા આજે મોરબી પાલિકાની ટાઉન પ્લાનિંગ ટીમ, ફાયર વિભાગની ટીમ સ્થળ પર પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી લઈને પહોંચી હતી અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની કામગીરીની જાણ થતાં પગલે સ્થાનિકો એકઠા થયા હતા. જોકે પાલિકા દ્વારા મંદિર પર જેસીબી ફેરવી દીધું હતું. દબાણ કામગીરી ને પગલે સ્થાનિકો અને પોલીસ વચ્ચે પણ થોડા સમય માટે બોલચાલ થઈ હતી જોકે પોલીસે મામલો સંભાળી લીધો હતો.
સ્થાનિકોએ જણાવ્યુ હતું, આ જગ્યા વર્ષોથી આ સ્થિતિમાં હતી અને કોઈને નડતર રૂપ પણ ન હોય તેમ છતાં કોઈ મોટા માથાની જમીન પર નજર હોય અને તેના ઇશારાથી કામગીરી થઇ રહી હોવાની શંકા છે. જો આં મંદિર ગેર કાયદેસર હોય અને તોડી પાડવામાં આવતું હોય તો ભવિષ્યમાં આં જગ્યાએ અન્ય કોઈ ગેરકાયદે બાંધકામ થશે તો તેઓ તેની સામે લડત આપશે જરૂર પડે કોર્ટમાં પણ તેઓને લઇ જવામાં આવશે. રોડ પર બાંધકામ હોવાથી તોડી પાડવા સૂચના હતી. બીજી તરફ ડીમોલેશન કામગીરી કરનાર મોરબી પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર વિનાયક ગાયકવાડે જણાવ્યુ હતું કે, મંદિર રોડની વચ્ચે હોય જેથી ગેરકાયદે બાંધકામ હોવાથી તોડી પાડવા સૂચના આપવામાં આવી હતી અને તેના આધારે પગલાં લેવામાં આવ્યા છે.

