HomeGujaratજૂનાગઢની ગિરનાર પરિક્રમામાં હાર્ટ-એટેકથી 9નાં મોત

જૂનાગઢની ગિરનાર પરિક્રમામાં હાર્ટ-એટેકથી 9નાં મોત

જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે રાત્રે વિધિવત્ રીતે પ્રારંભ થયો છે. પરંતુ પરિક્રમાર્થીઓના ધસારાને લઈ એક દિવસ પહેલાં જ પરિક્રમાનો ગેટ ખોલી દેવામાં આવ્યો હતો, જેને લઈ પરિક્રમા વહેલી શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે તારીખ 11 અને 12 એમ બે દિવસમાં ભવનાથ અને પરિક્રમાના અલગ અલગ રૂટ પર નવ આધેડવયના લોકોના હાર્ટ-એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. બે દિવસમાં નવ ભાવિકોના હૃદય થંભી ગયા હતા. જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત્ પ્રારંભ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી થયો છે. જોકે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકોએ વહેલા આવી પહોંચ્યા હતા. પરિણામે સોમવારની સવારે જ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે વહેલી પરિક્રમા કરવા માટે ઇંટવા ગેઇટને ખુલ્લો મૂક્યો હતો. બાદમાં જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. જોકે, આ પરિક્રમા દરમિયાન માત્ર બે દિવસમાં જ નવ ભાવિકોના હાર્ટ એટેકથી મોત થયાં છે.

ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરવા આવેલા લાખો પરિક્રમાર્થીઓ પૈકી નવ પરિક્રમાર્થીઓના બે દિવસમાં હાર્ટ-એટેકથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. છાતીમાં થતો અસહ્ય દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થયો છે. મૃત્યુ પામનાર નવેય પરિક્રમાર્થીઓ આધેડવયના પુરુષો છે. માત્ર બે દિવસમાં નવ પરિક્રમાર્થીઓના મોતની ઘટના સંભવત: પ્રથમ વખત બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરિક્રમાર્થીઓને અપીલ કરતાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, ગિરનારની લીલી પરિક્રમામાં લોકો એક જ દિવસમાં વહેલી પૂર્ણ થાય તેવા ભાવ સાથે એકસાથે ચાલે છે. જેના કારણે હાર્ટ-એટેક, ચક્કર આવવાના બનાવો બની શકે છે. જે ન બને તે માટે લોકોએ ધીરે- ધીરે આરામ લઇને ચાલવા તેમજ જો શરીરમાં આવું કંઇ લાગે તો તાત્કાલિક આરોગ્ય ટીમનો સંપર્ક કરવો જોઇએ. આરોગ્યકર્મીઓને પણ આ બાબતે અવેરનેસ ફેલાવવા સૂચન કરવામાં આવ્યું છે.

મૃતકોનાં નામની યાદી

મૂળજી રૂડાભાઇ લોખીલ (ઉ. 66, રહે. ભારતીનગર, રાજકોટ)

પરશોત્તમ જગદીશભાઇ ભોજાણી (ઉ. 50, રહે. નવાગામ, જસદણ)

હમીર સોડાભાઇ લમકા (ઉ. 65, રહે. અમરસર)

રસિક ભોવાનભાઇ ભરડવા (ઉ. 60, રહે. દેવળા)

મનસુખ મોહનભાઇ (ઉ. 70, રહે. રાજકોટ)

આલા ગોવિદભાઇ ચાવડા (ઉ. 50, રહે. ગાંધીધામ)

અરવિંદ ડાયા સિંધવ (ઉ. 54, રહે. સોરઠિયાવાડી, રાજકોટ)

અરુણ હિમ્મતલાલ ટેઈલર (ઉ. 55, રહે. મુંબઈ)

પટેલ નટવરલાલ દેવચંદ (ઉ. 70, રહે, અમદાવાદ)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW